લંડનઃ લોર્ડ કરણ બિલિમોરિયાએ તાજેતરમાં એક ભારતીય ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન સ્ટાર્મરના નેતૃત્વમાં ભારત અને યુકે વચ્ચેના સંબંધો અને બ્રિટનમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની વિશેષ છણાવટ કરી હતી.
સર સ્ટાર્મરના નેતૃત્વમાં તમે ભારત અને યુકે વચ્ચેના સંબંધોને કેવી રીતે મૂલવો છો તેવા સવાલના જવાબમાં બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેના સંબંધોના મામલે વડાપ્રધાન સ્ટાર્મર ઘણા ગંભીર છે. હું ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીનો ચેરમેન હતો ત્યારે 3 વર્ષ પહેલાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર પર મંત્રણા શરૂ થઇ હતી. હવે તેના પર ઝડપથી કામ થઇ રહ્યું છે. વેપાર કરારથી બંને દેશના બિઝનેસ, ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટને લાભ થશે. બંને દેશે આજની સ્થિતિનો લાભ લઇને વેપારને વેગ આપવો જોઇએ. વેપાર કરાર થયા બાદ ભારત બ્રિટનનો ટોચનો વેપાર ભાગીદાર દેશ બની જશે. મને વિશ્વાસ છે કે સ્ટાર્મર અને મોદી વેપાર કરાર પર મહોર મારી દેશે.
યુકેમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પરના સવાલના જવાબમાં લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, લંડનમાં ભારતીય હાઇ કમિશન પરનો હુમલો સંપુર્ણપણે અસ્વીકાર્ય હતો. યુકેમાં 2 મિલિયન ભારતીય મૂળના લોકો રહે છે અને તેમાંથી તમે કેટલાક મુઠ્ઠીભર તત્વોની વાત કરી રહ્યાં છો. ભારતીય સમુદાયના લોકો દરેક ક્ષેત્રમાં ટોચ પર પહોંચી રહ્યાં છે.