લંડનઃ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ખાતેના ચીફ પ્રોસિક્યુટર અને બ્રિટિશ બેરિસ્ટર એવા કરીમખાન કેસી પર એક મહિલા પર બળાત્કાર અને તેને મોં નહીં ખોલવા માટે ધમકાવવાનો આરોપ મૂકાયો છે. કરીમ ખાને જ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સામે ધરપકડ વોરંટની માગ કરી હતી. તેમણે મહિલાને ધમકી આપી હતી કે મોં ખોલતા પહેલા પેલેસ્ટિનિયન એરેસ્ટ વોરંટ અંગે વિચાર કરજે.
કરીમ ખાન પર આરોપ મૂકાયો છે કે તેમણે આ મહિલા પર મહિનાઓ સુધી બળાત્કાર કર્યો હતો. મહિલા દ્વારા આરોપ મૂકાયાની જાણ થયાના 3 સપ્તાહમાં જ કરીમ ખાને નેતાન્યાહુ અને ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ વોરંટ જારી કરવા અરજી કરી હતી.
કરીમ ખાને તેમના પર મૂકાયેલા આરોપને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હું એવા કોઇપણ પ્રકારના શારીરિક સંબંધોમાં રહ્યો નથી. તેમણે આરોપો અને ધરપકડ વોરંટ વચ્ચે કોઇ કડી હોવાનો પણ ઇનકાર કર્યો હતો.