લંડનઃ એનએચએસ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર હવે કરોડો મહિલાઓને ગર્ભનિરોધક ગોળીઓ હાઇ સ્ટ્રીટ ફાર્મસી ખાતેથી વિનામૂલ્યે ઉપલબ્ધ બનશે ને તે માટે તેમણે જીપીનો સંપર્ક કરવાનો રહેશે નહીં. આગામી મહિનાથી ફાર્માસિસ્ટ મહિલાઓને ગર્ભનિરોધક ગોળીઓ ઓવર ધ કાઉન્ટર પ્રિસ્ક્રાઇબ કરી શકશે. 1960ના દાયકામાં પહેલીવાર ગર્ભનિરોધકો ઉપલબ્ધ બન્યાં ત્યારથી અત્યાર સુધીમાં મહિલા આરોગ્ય માટે કરાયેલા સૌથી ક્રાંતિકારી બદલાવો પૈકીનો આ એક બદલાવ છે.
સરકાર દ્વારા ફાર્મસી ફર્સ્ટ પ્લાનનો પ્રારંભ કરાયો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રતિ વર્ષ એક કરોડ જેટલી જીપી એપોઇન્ટમેન્ટ્સ મુક્ત કરવાનો છે જે અંતર્ગત સામાન્ય બીમારીઓ માટે દર્દીઓને ફાર્મસી ખાતે જ સારવાર અપાશે. ઇંગ્લેન્ડમાં 2000 કેમિસ્ટ શોપ ધરાવતી બૂટ્સ કંપનીએ જણાવ્યું છે કે તે આ સેવાની શરૂઆત 2024ના પ્રારંભથી કરશે અને તેમાં કોઇ એપોઇન્ટમેન્ટની જરૂર નહીં પડે. હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યું છે.
એનએચએસ ઇંગ્લેન્ડના સીઇઓ એમન્ડા પ્રિટકાર્ડે જણાવ્યું હતું કે, મહિલાઓ માટે આ સારા સમાચાર છે. આજે આપણી જિંદગીઓ અત્યંત વ્યસ્ત બની છે ત્યારે જીપીની એપોઇન્ટમેન્ટ લેવાને બદલે મહિલાઓ ફાર્મસી ખાતેથી ગર્ભનિરોધક પ્રાપ્ત કરી શકશે.


