કરોળિયાઓની રાજધાની લેસ્ટર!

Thursday 15th October 2020 09:32 EDT
 
 

લેસ્ટરઃ આ વાંચીને કેટલાક લોકોને કદાચ કંપારી આવી જાય અથવા આવું જુગુપ્સાપ્રેરક જીવડું આસપાસમાં નથી એવો વિચાર પણ આવી જાય પરંતુ, હકીકત એવી છે કે સંશોધકોને લેસ્ટરને યુકેની કરોળિયાની સત્તાવાર રાજધાનીનું બિરુદ આપ્યું છે! લેસ્ટરના આપણા ઘરોમાં ગમે ત્યાં અને ગમે ત્યારે દેખાતાં ‘આઠ પગાળા’ મોટાં જીવડાં વિશેના સંશોધનોમાં એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે સ્પાઈડર એટલે કે કરોળિયાની અલગ અલગ ૨૨૮ પ્રજાતિ જોવાં મળી છે.

યુકેમાં બાયોડાયવર્સિટી ઈન્ફોર્મેશનના સૌથી મોટા સંગ્રાહક અને વાઈલ્ડલાઈફના ૨૩૫ મિલિયન રેકોર્ડ્સના સંરક્ષક નેશનલ બાયોડાયવર્સિટી નેટવર્ક (NBN)ના ડેટા તેમજ સપ્ટેમ્બર ૨૯-૩૦, ૨૦૨૦ના દિવસોએ અન્ય સ્રોતો પાસેથી મેળવેલા ડેટાના આધારે પ્રોપર્ટી કંપની ‘SellHouseFast.uk’એ હાઉસ ઓફ હોરર્સ ટેબલ તૈયાર કર્યું હતું. સમગ્ર યુકેમાં માનવશરીરના પંજા જેટલા મોટા હાઉસ સ્પાઈડર્સ અને ચાંચડ જેવા સાથી જીવડાં ઓટમ અને હેલોવિન વચ્ચેના ગાળામાં જોવાં મળે છે. સંશોધકોએ યુકેના ૬૭ શહેરોની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં કયા વિસ્તારોમાં તે સૌથી વધુ જોવાં મળે છે તે જાણવા NBN Atlas પરના ‘એક્સપ્લોર યોર એરિયા’ ટૂલનો ઉપયોગ કર્યો હતો. આ પરથી લેસ્ટરમાં ૨૨૮ પ્રજાતિના કરોળિયા આક્રમણ કરતા હોવાનું બહાર આવ્યું હતું.

લેસ્ટર પછી બીજા ક્રમે વેલ્સમાં સેન્ટ ડ્વિડ્સ સિટી (૨૦૯ પ્રજાતિ), ત્રીજા ક્રમે સ્વાનસી (૧૯૬ પ્રજાતિ), ચોથા ક્રમે વેસ્ટમિન્સ્ટર (૧૮૩ પ્રજાતિ) અને પાંચમો ક્રમ ૧૭૮ પ્રજાતિ સાથે લંડન સિટીનો રહ્યો હતો. આ પછીના ક્રમો પર નોરવિચ (૧૬૮ પ્રજાતિ), કેન્ટરબરી (૧૬૨ પ્રજાતિ), નોર્થ વેલ્સનું સેન્ટ અસ્પાહ (૧૪૨ પ્રજાતિ), ચેસ્ટર (૧૧૮ પ્રજાતિ) અને ગ્લુસ્ટર (૧૦૮ પ્રજાતિ) રહ્યા હતા. લેસ્ટરમાં સોથી વધુ ગાર્ડન સ્પાઈડર અને લંડન સિટીમાં વાસ્પ સ્પાઈડર વધુ જોવાં મળે છે. હીઅરફોર્ડ સિટીમાં સૌથી ઓછાં એટલે કે માત્ર ત્રણ પ્રજાતિ તેમજ ડંડીમાં માત્ર ચાર પ્રજાતિ અને પ્રેસ્ટનમાં નવ પ્રજાતિના કરોળિયા સહિતના જીવડાં જોવા મળ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter