લંડનઃ બર્મિંગહામ કાઉન્સિલ અને મ્યુનિસિપલ કર્મચારીઓ વચ્ચેના ગજગ્રાહનો અંત ન આવતાં શહેરની સડકો પર 17,000 ટન કચરાના ઢગ સર્જાયા છે. જાન્યુઆરી મહિનામાં શરૂ કરાયેલી મર્યાદિત હડતાળ હવે અનિશ્ચિત મુદતની હડતાળનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
બર્મિંગહામ સિટી કાઉન્સિલે સમસ્યાને ગંભીર કટોકટી જાહેર કરતાં આસપાસની સરકારી સંસ્થાઓ અને કાઉન્સિલોની મદદ માગી છે જેથી સડકો પરથી કચરાના ઢગલા દૂર કરી શકાય. શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં રહેવાસીઓ ઉભરાતી કચરા પેટીઓ, દુર્ગંધ અને જિવાતનો સામનો કરી રહ્યાં છે. કચરાના ઢગલામાં ફરી રહેલા ઊંદર, વંદા અને શિયાળ ઉપદ્રવ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ તો ઊંદર કરડવાની ફરિયાદ પણ કરી છે.
2023માં બર્મિંગહામ સિટી કાઉન્સિલે નાદારી જાહેર કરી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે. કાઉન્સિલ દ્વારા થઇ રહેલા રિસ્ટ્રક્ચરિંગના કારણે કર્મચારીઓના પગારમાં પ્રતિ વર્ષ 8000 પાઉન્ડનો ઘટાડો થવાની સંભાવના છે.