લંડનઃ ફેક્ટરીના કામદારોએ પગાર વધારાના મુદ્દે હડતાળ પર જવાનો નિર્ણય કરતા રાયબીના અને લુકોઝેડ જેવા લોકપ્રિય પીણાઓની અછત સર્જાવાનું જોખમ સર્જાયું છે. યુનાઇટ યુનિયનના 180 કરતાં વધુ કામદારો પગાર વધારાના મુદ્દે હડતાળ પર જશે. યુનિયનનો આરોપ છે કે બ્રાન્ડની માલિકી ધરાવતી જાપાનની કંપની ફુગાવા આધારિત પગાર વધારાની માગને સ્વીકારી રહી નથી.
યુનિયને જણાવ્યું હતું કે, કોલફોર્ડ ખાતે આવેલી રોયલ ફોરેસ્ટ કંપનીના કર્મચારીઓ સોમવારથી એક સપ્તાહની હડતાળ પર જશે. જેના કારણે લોકપ્રિય પીણાના પૂરવઠા પર અસર પડશે. 1970ના દાયકા પછી પહેલીવાર ફેક્ટરીમાં હડતાળની નોબત આવી છે. જાપાનની કંપની સનટોરી પગાર વધારો આપવામાં સક્ષમ હોવા છતાં કર્મચારીઓને પગાર વધારાનો ઇનકાર કરી રહી છે.
સનટોરી કંપનીના ડિરેક્ટર કાર્લ ઓટ્ટોમારે જણાવ્યું હતું કે, અમને આશા છે કે કર્મચારીઓ સાથેના પ્રશ્નોનો ટૂંકસમયમાં ઉકેલ આવી જશે. 2022થી અત્યાર સુધીમાં કર્મચારીઓને બે વાર પગાર વધારો અપાઇ ચૂક્યો છે.

