કલાચીઃ આ ગામમાં લોકો અચાનક ગાઢ ઊંઘમાં સરી પડે છે

Saturday 20th June 2015 07:11 EDT
 
 

અસ્તાનઃ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ભલે આવશ્યક ગણાતી હોય, પણ કઝાકિસ્તાનના કલાચી ગામની સમસ્યાએ આમઆદમીથી માંડીને નિષ્ણાતોની ઊંઘ ઊડાડી દીધી છે. કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનથી ૨૭૬ કિલોમીટરના અંતરે આવેલા કલાચી ગામમાં લોકો અચાનક જ ગાઢ નિંદ્રામાં સરી પડે છે. ન તો તેમને સમયનું ભાન રહે છે અને ન તો સ્થળનું. સ્કૂલમાં ગયેલા બાળકો હોય કે કામ પર ગયેલી વયસ્ક વ્યક્તિ હોય, લોકો પર ગમેત્યારે ઊંઘ આક્રમણ કરે છે. 

બે મિત્રો વહેલી સવારે છાપું વાંચતા વાંચતા કે નાસ્તો કરતા કરતા પણ નસકોરાં બોલાવવા લાગે છે. ગામની એક મહિલા તો ઘરના પગથિયા ચડતી હતી ત્યારે અચાનક જ બેસીને ઊંઘવા લાગી હતી. નવાઇની વાત તો એ છે કે આ પ્રકારે આવી ગયેલી ઊંઘ નાનકડું ઝોકું નથી હોતું, પણ ઢોલ-નગારાં વગાડો તો પણ ઊડે નહીં તેવી ગાઢ ઊંઘ હોય છે.
ઘણા લોકો તો એકાદ-બે દિવસથી માંડીને છેક એક મહિને ઊંઘ લઇને ઉઠયા હોવાના દાખલા મળે છે. માંડ ૬૦૦ લોકોની વસતી ધરાવતા ગામમાં આ વિચિત્ર પ્રકારના સ્લીપઓર્ડરે છેલ્લા પાંચ વર્ષથી પગપેસારો કર્યો છે. તબીબોએ હજારો ટેસ્ટ કર્યા છતાં પણ અચાનક આટલી લાંબી ઊંઘ કેમ આવે છે તે જાણી શકયા નથી. બીમારીનો ભોગ બનનારાના બ્રેઇન તથા ચેતાતંત્રને લગતા બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. આ પછી ગામની માટી અને પાણીના પણ રાસાયણિક ટેસ્ટ કરવામાં આવ્યા. આમ છતાં બીમારીનો કોઇ જ પત્તો લાગ્યો નથી.
કઝાકિસ્તાન એક સમયે સોવિયેત યુનિયનનો એક ભાગ હતું. તે સમયે આ ગામમાં યુરેનિયમ મેળવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું તેને સ્થાનિક લોકો આ બીમારી માટે જવાબદાર ગણે છે, પરંતુ જોવા જેવી વાત એ છે કે યુરેનિયમની ખાણમાં કામ કરનારા વર્કરો પર તેની કોઇ જ અસર નથી. આથી આ રહસ્ય વધુ ગુંચવાયું છે. કેટલાક લોકો વળી ખાણમાંથી આવતી હવા અને ધુમાડાને પણ આ બીમારી માટે જવાબદાર ગણાવે છે. જોકે બે લોકો સાથે જતા હોય એમાં એકને જ અચાનક ઉંઘ આવી ગઇ હોય અને બીજાને કંઇ અસર ન હોય તેવા કિસ્સા બન્યા હોવાથી આ કારણ પણ ગળે ઊતરે તેવું જણાતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter