કલ્ચર અને આર્ટ્સ સેક્ટર, ક્રિકેટ સહિતની રમતો અને કોમ્યુનિટી માલિકી માટે ફાળવણી

Wednesday 10th March 2021 06:07 EST
 

લંડનઃ ચાન્સેલર સુનાકે સંઘર્ષ કરી રહેલા કલ્ચર અને આર્ટ્સ સેક્ટર માટે ૪૧૦ મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે જેથી લોકડાઉન ઉઠાવી લેવાયા પછી તેઓ પગભર થઈ શકે. સરકારના કલ્ચર રિકવરી ફંડમાં ૩૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી સાથે કુલ ભંડોળ ૧.૮૭ બિલિયન પાઉન્ડ થશે. આ ઉપરાંત, દેશના નેશનલ મ્યુઝિયમ્સ અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓને ટેકા માટે વધારાના ૯૦ મિલિયન પાઉન્ડ ફાળવાયાં છે. રીજિયોનલ ટાઉન્સ અને સિટીઝમાં નવાં કલ્ચર પ્રોજેક્ટ્સ માટે આશરે ૨૦ મિલિયન પાઉન્ડ ફાળવાશે.

ચાન્સેલર સુનાકે કહ્યું હતું કે ૭૦૦,૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપતા આર્ટ્સ અને કલ્ચર ઈન્ડસ્ટ્રીઝને ઐતિહાસિક પેકેજથી ગણનાપાત્ર ટેકો મળશે. ગયા વર્ષે કલ્ચર રિકવરી ફંડ લોન્ચ કરાયું હતું અને તેના થકી અત્યાર સુધી આશરે ૩,૦૦૦ સંસ્થાઓને ૮૦૦ મિલિયન પાઉન્ડથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ છે.

£૩૦૦ મિલિયનનું નવું સ્પોર્ટ્સ રિકવરી પેકેજઃ સરકારે ક્રિકેટ અને અન્ય ઉનાળુ રમતોના લાભાર્થે ૩૦૦ મિલિયન પાઉન્ડના રોકડ પ્રવાહની જાહેરાત કરી છે, ક્રિકેટ, ટેનિસ અને હોર્સ રેસિંગ જેવી રમતો ટુંક સમયમાં શરુ કરાશે ત્યારે લોકોને ફરી મેદાનો પર ખેંચી લાવવા આ રોકડ પ્રોત્સાહન મદદરુપ બનશે. વડા પ્રધાન જ્હોન્સને મુખ્ય કોરોના વાઈરસ નિયંત્રણો હટાવી લેવા માટે ૨૧ જૂનની અપેક્ષિત તારીખ જાહેર કરી છે. આ ફાળવણીનો મોટા ભાગનો હિસ્સો ક્રિકેટના ફાળે જશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ વધારાની રોકડને આવકારી છે. અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં ૩૦૦ મિલિયન પાઉન્ડનું સ્પોર્ટ વિન્ટર સર્વાઈવલ પેકેજ જાહેર કરાયું હતું.

£૧૫૦ મિલિયનનું કોમ્યુનિટી ઓનરશિપ ફંડઃ ચાન્સેલર સુનાકે ૧૫૦ મિલિયન પાઉન્ડનું રોકડ ભંડોળ ફાળવ્યું છે જે કોમ્યુનિટી સંપત્તિને જાળવવા અને વહીવટ કરતા લોકો કે સંસ્થાઓ મેળવી શકશે. બંધ થવાના જોખમ હેઠળની નબળી પબ્સ, સ્પોર્ટ્સ કલબ્સ, થિયેટર્સ અને સંગીતના સ્થળોને બચાવવામાં આ રકમનો ઉપયોગ થઈ શકશે. કોમ્યુનિટી ગ્રૂપ્સ સરકાર પાસેથી ૨૫૦,૦૦૦  પાઉન્ડ સુધીની રોકડ સહાય મેળવવા અરજી કરી શકશે. આ સિવાય, કોમ્યુનિટીની માલિકીની સ્પોર્ટ્સ ક્લબ અથવા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સ્થાપવા માટે ૧ મિલિયન પાઉન્ડનું ભંડોળ પણ મેળવી શકશે. કોમ્યુનિટીની માલિકીના બિઝનેસ તરીકે ચલાવવા કોમ્યુનિટી ગ્રૂપ્સે આટલી જ રકમ ઉમેરવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter