લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ફરી એક વખત કવિતા પૂરીને વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ટ્રસ્ટીપદે નિયુક્ત કર્યા છે. એવોર્ડવિજેતા જર્નાલિસ્ટ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને બ્રોડકાસ્ટર કવિતા પૂરીની મુદત 2 જુલાઈ 2022થી 1 જુલાઈ 2026 સુધીની રહેશે.
કવિતા પૂરી BBC Radio 4 અને બીબીસી વર્લ્ડ સર્વિસ પર ધ ઈન્ક્વાયરી સહિત ડોક્યુમેન્ટરીઝની રજૂઆત કરે છે. તેમણે ભારતના વિભાજનની 70મી વર્ષગાંઠ નિમિત્તે રેડિયો 4 પર ‘પાર્ટિશન વોઈસીસ’ નામે લેન્ડમાર્ક સીરિઝનું લેખન અને રજૂઆત કર્યાં હતાં. આ સીરિઝને રોયલ હિસ્ટોરીકલ સોસાયટીના બેસ્ટ રેડિયો અને પોડકાસ્ટ પ્રાઈઝ અને સમગ્રતયા પબ્લિક હિસ્ટરી પ્રાઈઝ એનાયત કરાયાં હતાં. ‘Partition Voices: Untold British Stories’ 2019માં પ્રકાશિત કરાઈ હતી અને હાલ સ્ટેજ માટે તેનું એડપ્શન કરાઈ રહ્યું છે.
કવિતા પૂરી યુદ્ધકાળ પછીના બ્રિટનમાં સાઉથ એશિયનોના પ્રથમ સામાજિક ઈતિહાસને આલેખતી રેડિયો 4ની ‘થ્રી પાઉન્ડ્સ ઈન માય પોકેટ’ના સર્જક, લેખક અને પ્રેઝન્ટર છે. અવર વર્લ્ડના એડિટર તરીકે તેમણે વિદેશી ડોક્યુમેન્ટરીઝનું નિર્માણ પણ કરાવ્યું હતું જેને રોયલ ટેલિવિઝન સોસાયટી, ફોરેન પ્રેસ એસોસિયેશન અને એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ બ્રોડકાસ્ટર્સ તરફથી એવોર્ડ્ઝ અપાયા હતા. રોયલ હિસ્ટરિકલ સોસાયટીના ફેલો તેમજ એડિનબરા ઈન્ટરનેશનલ ટેલિવિઝન ફેસ્ટિવલ એડવાઈઝરી કમિટીમાં રહેલાં કવિતા પૂરીને એશિયન મીડિયા એવોર્ડ્સમાં જર્નાલિસ્ટ ઓફ ધ યર પણ જાહેર કરાયાં હતાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનારા કવિતા પૂરીએ કારકિર્દીની શરૂઆત ન્યૂઝનાઈટ સાથે કરી હતી જ્યાં તેમણે જનરલ ઈલેક્શનનું કવરેજ કરવા ઉપરાંત, સ્પેશિયલ ઈવેન્ટ્સ પણ કવર કર્યાં હતાં.


