કસ્ટમર ટેલિફોન હેલ્પલાઇન બંધ નહીં કરવા એચએમઆરસીનો નિર્ણય

એચએમઆરસીએ હેલ્પલાઇન વર્ષમાં 6 મહિના બંધ કરવાનો નિર્ણય લીધો હતો

Tuesday 26th March 2024 09:49 EDT
 
 

લંડનઃ એચએમઆરસીએ વર્ષમાં 6 મહિના સેલ્ફ એસેસમેન્ટ ટેલિફોન હેલ્પલાઇન બંધ કરવાનો નિર્ણય રદ કરી દીધો છે. ટેક્સ ઓથોરિટીએ આ નિર્ણયની જાહેરાતના એક જ દિવસમાં ફેરવી તોળ્યું હતું. એચએમઆરસીના ચીફ એક્ઝિક્યુટિવ જિમ હાર્રાએ જણાવ્યું હતું કે, અમને જનતાના પ્રતિભાવ મળ્યા છે અને અમે હેલ્પલાઇન બદલાવોને સ્થગિત કરી રહ્યાં છીએ.

આ પહેલાં ચાન્સેલર જેરેમી હન્ટે એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમ્સ વિભાગને ઊનાળા દરમિયાન ફોન લાઇન બંધ કરી દેવાની યોજના પડતી મૂકવા આદેશ આપ્યો હતો.  ચાન્સેલરે તમામ કરદાતાઓની જરૂરીયાત સંતોષી શકાશે નહીં તેવા ભયના પગલે ટેક્સ ઓફિસને આ બદલાવ પર રોક લગાવી દેવા જણાવ્યું હતું.  

આ પહેલાં મંગળવારે એચએમઆરસીએ જાહેરાત કરી હતી કે, કસ્ટમરોને ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરતા કરવા માટે હેલ્પલાઇન ફોન લાઇન્સ 8મી એપ્રિલથી 29મી સપ્ટેમ્બર સુધીના 6 મહિના માટે બંધ કરી દેવાશે. ટ્રેઝરીના સૂત્રે જણાવ્યું હતું કે, સંભવિત હોય ત્યાં ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માટે કસ્ટમરોને પ્રોત્સાહિત કરવામાં કશું ખોટું નથી. પરંતુ સામાન્ય જનતાને તકલીફ પડે તે રીતે હેલ્પલાઇન ફોન નંબરો બંધ કરી શકાય નહીં. તેના કારણે જ મિનિસ્ટરોએ આ બદલાવને તાત્કાલિક અટકાવી દીધો છે.

ગયા મહિને પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ જણાવ્યું હતું કે એચએમઆરસીની કસ્ટમર સર્વિસ ખાડે ગઇ છે. જાન્યુઆરીમાં 10 લાખ જેટલા કોલ્સનો કોઇ જવાબ અપાયો નહોતો. જાન્યુઆરી ટેક્સ ઓફિસ માટે સૌથી વ્યસ્ત મહિનો હોય છે કારણ કે તેમાં કરદાતાઓ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં હોય છે. એચએમઆરસીની કસ્ટમર લાઇન પર જવાબ મળવામાં પણ 25 મિનિટની રાહ જોવી પડતી હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter