નવી દિલ્હીઃ ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રવિવારે એક જ દિવસમાં બે કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આમાંથી કોવેક્સિન ભારત બાયોટેક તથા આઇસીએમઆર દ્વારા વિકસાવાયેલી દેશની સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી વેક્સિન છે જ્યારે કોવિશિલ્ડ બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફાર્મા કંપની દ્વારા વિકસાવાઇ છે, અને તેનું ઉત્પાદન ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા થયું છે. આ સાથે જ ગુજરાતની ઝાયડસ કેડિલા ફાર્મા દ્વારા વિકસાવાઇ રહેલી વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજૂરી અપાઇ છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસ-સીઓ)ની સબ્જેક્ટ એક્સ્પર્ટ કમિટીએ ગયા શુક્રવારે સૌપ્રથમ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસાવાયેલી અને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી હતી. આ પછી બીજા દિવસે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્વારા વિકસાવાયેલી કોવેક્સિનને મંજૂરી આપી હતી. આ બન્ને વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે ડીજીસીઆઇએ મંજૂરી આપી છે. આ સાથે જ દેશમાં વેક્સિનેશન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
વેક્સિનેશનની તૈયારી શરૂ
ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરીની સાથે જ દેશમાં કોરોનાના રસીકરણની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષ વર્ધને શનિવારે જણાવ્યું હતું કે, ભારતના કોરોના વેક્સિન કાર્યક્રમના પહેલા તબક્કામાં ૩ કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સને વિનામૂલ્યે કોરોનાની રસી મુકાશે. જેમાં એક કરોડ આરોગ્ય કર્મચારી અને પોલીસ, સુરક્ષા જવાનો, સફાઈ કર્મચારીઓ સહિતના બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સનો સમાવેશ થાય છે.
જુલાઈ ૨૦૨૧માં બીજા તબક્કાનો પ્રારંભ કરાશે જેમાં ૨૭ કરોડ નાગરિકોને કોરોનાની રસી મુકાશે. આ માટેની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસની રસીને મંજૂરી આપતાં પહેલાં સરકાર પ્રોટોકોલ સાથે કોઇ સમાધાન નહીં કરે.
ડો. હર્ષ વર્ધને કોરોનાની રસીઓની સુરક્ષા અને અસરકારકતા અંગેની અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવાની પણ અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલિયોનું રસીકરણ શરૂ કરાયું ત્યારે પણ દેશમાં લોકો પોલિયોની રસી મુકાવવા તૈયાર નહોતા, પરંતુ પોલિયોની રસીની સફળતાને આપણે યાદ કરવી જોઈએ.
મેઇડ ઇન ઇન્ડિયા રસી
કોરોનાની બે વેક્સિનને ડીસીજીઆઇની મંજૂરીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બંને વેક્સિન ભારતમાં નિર્માણ પામી છે તેનું દરેક ભારતીયને ગૌરવ છે. આપણા વિજ્ઞાનીઓના સમુદાયની ઇચ્છાશક્તિએ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે જે બે કોરોના વેક્સિનને મંજૂરી અપાઇ તે મેઇડ ઇન ઇન્ડિયા છે. તેના મૂળમાં કાળજી અને દયા છે. આપણે વિપરીત સંજોગોમાં કામગીરી કરનારા કોરોના વોરિયર્સ પ્રત્યે ફરી એક વાર આભાર પ્રગટ કરીએ છીએ. મોટી સંખ્યામાં જીવન બચાવવા માટે આપણે આભારી છીએ. આ બંને રસીના ઉપયોગને મંજૂરી કોરોના સામેની લડાઇની નિર્ણાયક ક્ષણ છે. તેના દ્વારા સ્વસ્થ અને કોરોનામુક્ત ભારતના અભિયાનને વધુ વેગ મળશે. કોન્ગ્રેચ્યુલેશન્સ ઇન્ડિયા. આપણા આકરી મહેનત કરનારા વૈજ્ઞાનિકો અને સંશોધકોને પણ અભિનંદન.
પૂરતી ચકાસણી બાદ મંજૂરીઃ ડીસીજીઆઇ
ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઇ) વી. જી. સોમાણીએ જણાવ્યું હતું કે, પૂરતી ચકાસણી બાદ સીડીએસસીઓએ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની કોરોના વેક્સિન અંગે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કરેલી ભલામણો સ્વીકારી છે. હવે તેના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે. તે ઉપરાંત ઝાયડસ કેડિલાની કોરોના રસીને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી અપાઇ છે. બંને કંપનીઓએ તેમના ક્લિનિકલ ટ્રાયલના ડેટા રજૂ કર્યા છે. જેમાંથી સીરમ ઇન્સ્ટિટયૂટની કોરોના રસી કોવિશિલ્ડની અસરકારતા ૭૦.૪૨ ટકા નોંધાઇ છે.
સોમાણીએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેકની રસીના ઉપયોગથી ઉંદર, સસલાં અને સીરિયન હેમસ્ટર જેવી પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓમાં સુરક્ષિત રોગ પ્રતિકારકતા ઉત્પન્ન થઇ છે. ૮૦૦ સબ્જેક્ટ પર પ્રથમ અને બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરાઇ હતી અને પરિણામો દર્શાવે છે કે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન સુરક્ષિત છે અને સારી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિ પરના ડેટાની સમીક્ષા કરીને જાહેર હિતમાં તેના ઇમર્જન્સી ઉપયોગ માટે ભલામણ કરી છે.
કોરોના સામેની લડાઈમાં મદદઃ ‘હૂ’
કોરોના રસીના ઇમર્જન્સી ઉપયોગના ભારતના નિર્ણયને આવકારતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના ડો. પૂનમ ખેતરપાલ સિંહે જણાવ્યું હતું કે, અમે ભારતના નિર્ણયને આવકારીએ છીએ. આ નિર્ણયથી કોરોના સામેની લડાઇમાં મદદ મળી રહેશે. પ્રાથમિકતા ધરાવતા લોકોના વેક્સિનેશન અને અન્ય જાહેર આરોગ્યનાં પગલાં દ્વારા કોરોના મહામારી ઘટાડી શકાશે.
તો વળતર ચૂકવાશે: ‘એમ્સ’ના વડા
દિલ્હી સ્થિત ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (‘એમ્સ’)ના વડા ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભારત બાયોટેકની કોવેક્સિન હાલના તબક્કે બેક-અપ તરીકે જ ઉપયોગમાં લેવાશે. આડઅસર થશે તો તે પેટે વળતર પણ ચૂકવવામાં આવશે.
ટૂંક સમયમાં સપ્લાય શરૂ: પૂનાવાલા
ઓક્સફર્ડની કોરોના રસી કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, આગામી થોડા જ સપ્તાહમાં કોરોના રસીનો સપ્લાય શરૂ કરી દેવાશે. હું દેશના તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સીરમ ઇન્ડિયાએ કોરોનાની રસીનું મોટા પાયે ઉત્પાદન કરવાનું જોખમ લીધું હતું અને અંતે તમામ જોખમમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા છીએ. ભારતની પહેલી કોરોના રસીને મંજૂરી મળી છે. તે સુરક્ષિત અને અસરકારક છે. આગામી થોડા સપ્તાહમાં તેનો સપ્લાય શરૂ કરી દેવાશે.
-------------------------------------------------------------------
ઈંગ્લેન્ડમાં લોકડાઉન-૩ લાગુ
લંડનઃ દેશભરમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ ચાલુ કરી દેવાયો છે ત્યારે કોરોના વાઈરસના મ્યુટન્ટ પ્રકારના વધી રહેલાં સંક્રમણને ખાળવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કઠોર અને નાટ્યાત્મક નિર્ણય લઈને ઈંગ્લેન્ડ પર બુધવાર, ૬ જાન્યુઆરીથી નેશનલ લોકડાઉન લાદી દીધું છે. ગયા માર્ચ મહિનામાં કોરોના વાઈરસના આક્રમણના આરંભે લોકડાઉનમાં લદાયાં હતાં તેના કરતાં પણ આ નિયંત્રણો વધુ કઠોર છે.
‘સ્ટે હોમ, સેવ લાઇવ્ઝ’
લોકોને ફરી એક વખત ‘સ્ટે હોમ, સેવ લાઈવ્ઝ એન્ડ પ્રોટેક્ટ ધ NHS’નો મહામંત્રનું પાલન કરવા જણાવાયું છે. લોકોને માત્ર પાંચ અતિ આવશ્યક કારણોસર જ બહાર નીકળવાની પરવાનગી મળશે. પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ્સ ૪ જાન્યુઆરી સોમવારથી જ બંધ કરી દેવાઈ છે અને ફેબ્રુઆરી હાફ ટર્મ સુધી બંધ રહેશે. નવી ગાઈડન્સ મુજબ દેશભરમાં બિનઆવશ્યક રીટેઈલ, તમામ હોસ્પિટાલિટી, જીમ્સ અને સ્વિમિંગ પૂલ્સને બંધ રાખવા આદેશ કરાયો છે. કાફેઝ, બાર્સ અને રેસ્ટોરાંને માત્ર ટેઈકઅવે સેવા આપી શકશે પરંતુ, આલ્કોહોલિક પીણાં પીરસી શકશે નહિ. ધાર્મિક પૂજા-પ્રાર્થના સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત, નબળાં અને અસુરક્ષિત લોકોને શક્ય હોય ત્યાં સુધી સલામતી છત્ર હેઠળ રહેવાં જણાવાયું છે.
શાળાને તાળા
મહત્ત્વની બાબત એ પણ છે કે ઉનાળાની GCSE અને A-Level પરીક્ષાઓ મોટા ભાગે રદ કરી દેવાશે અને આગામી સપ્તાહોમાં નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવનાર છે. સ્કોટલેન્ડમાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ પાર્લામેન્ટમાં સોમવારે બપોરે સખત કાર્યવાહીની જાહેરાત કરી હતી. લોકો કાનૂની અમલ સાથે ઘરમાં જ રહે અને ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો હતો.
નિયંત્રણો લંબાઈ પણ શકે
વડા પ્રધાન જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે ઓછામાં ઓછાં સાત સપ્તાહ સુધી નિયંત્રણો ઉઠાવી લેવાય તેવી કોઈ શક્યતા નથી. કોઈ કારણસર વેક્સિનેશન રોલઆઉટ કાર્યક્રમ સારી રીતે કાર્યરત થઈ શકે નહિ તો સમયગાળો લંબાવી પણ શકાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહામારીનો આરંભ થયા પછી આપણી હોસ્પિટલો વધુ દબાણ હેઠળ છે. આગામી સપ્તાહો સૌથી મુશ્કેલ બની રહેશે. આ ઉનાળામાં પરીક્ષાઓ લેવી શક્ય અથવા વાજબી રહેશે નહિ.
ફેબ્રુઆરીની મધ્ય સુધીમાં વેક્સિન ડિસ્ટ્રિબ્યુશન લિસ્ટની ચાર ટોપ કેટેગરીઝને પ્રથમ રસી આપી દેવાશે. વાઈરસમાં ફરી ફેરફાર નહિ આવે તેવી ધારણા સાથે જ પરિસ્થિતિમાં સુધારો આવશે તેવી ખાતરી જ તેઓ આપી શકે છે.
નવા કેસમાં ભારે ઉછાળો
વડા પ્રધાન જ્હોન્સનના નિર્ણય પાછળ વિજ્ઞાનીઓનું દબાણ અને કોરોના કેસમાં ભારે ઉછાળો કારણભૂત છે. સોમવારે નવા ૫૮,૭૮૪ કેસ નોંધાયા હતા જે અગાઉના સોમવારની સરખામણીએ ૪૨ ટકા વધુ છે. આનો અર્થ એમ થાય કે યુકે એક સપ્તાહમાં દરરોજ ૫૦,૦૦૦ કેસનો માઈલસ્ટોન વટાવી ગયું છે. અત્યાર સુધી કોરોનાના કારણે ૭૫,૦૦૦થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. રોગચાળો ફરી વકરવા પાછળ ક્રિસમસના તહેવારમાં નિયંત્રણોમાં અપાયેલી છૂટછાટોએ મદદ કરી છે. અત્યાર સુધી ટિયર-૧માં રહેલા સિસિલી આઈલ્સને પણ નેશનલ લોકડાઉનમાં આવરી લેવાયું છે. ડુનિંગ સ્ટ્રીટના સૂત્રો અનુસાર વાઈરસનો પ્રભાવ હળવો થાય અને વેક્સિનેશન તેને શક્ય બનાવે ત્યારે સરકાર ફરીથી ટિયર સિસ્ટમ લાગુ કરવા ઈચ્છે છે.
બુધવારે પાર્લામેન્ટનું સત્ર ફરી બોલાવાશે ત્યારે સાંસદો તેના પર મતદાન કરશે. જોકે, સરકારના લોકડાઉન પગલાંની હાર થવાની શક્યતા નથી. લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે લોકડાઉન ‘આવશ્યક’ હતું અને તેમના સાંસદો તેને સમર્થન આપશે. વિરોધ પક્ષોએ નેશનલ લોકડાઉનની માગણી કરી ત્યારે ટોરી પાર્ટીના વરિષ્ટ સભ્યો પણ માગણીમાં જોડાયા હતા. જોકે, વધુ કઠોર પગલાંથી ટોરી સાંસદોમાં રોષ છે.