લંડનઃ ઇંગ્લેન્ડમાં સ્થાનિક સત્તામંડળોની ચૂંટણી સર કેર સ્ટાર્મર વડાપ્રધાન બન્યાં અને કેમી બેડનોકે કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ સંભાળ્યું ત્યાર પછી પહેલીવાર બેલટ બોક્સ ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. આ ચૂંટણીમાં રિફોર્મ યુકેના પ્રદર્શન પર તમામ રાજકીય વિશ્લેષકોની નજર છે.
1 મેના રોજ 1600 કરતાં વધુ કાઉન્સિલ બેઠકો, 6 મેયરપદ અને રનકોર્ન એન્ડ હેલ્સબીની સંસદીય બેઠકની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. આ અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં પરિણામો પણ જાહેર થઇ ગયાં હશે.
આ ચૂંટણીમાં મુખ્યતેવ વડાપ્રધાન સ્ટાર્મર અને ટોરી નેતા કેમી બેડનોકની શાખ દાવ પર લાગી છે. રિફોર્મ યુકેના નાઇજલ ફરાજનો હાથ ઉપર છે કારણ કે તેમના માટે વકરો એટલો નફો જેવી સ્થિતિ છે. રનકોર્નની પેટાચૂંટણી કેર સ્ટાર્મરની નેતાગીરી પર પહેલો ચુકાદો માનવામાં આવી રહ્યો છે. આ બેઠક પર રિફોર્મ યુકે લેબરને મજબૂત પડકાર આપી રહી છે.
કન્ઝર્વેટિવ પાર્ટી પર પણ પ્રચંડ દબાણ છે. હાલમાં 16 કાઉન્સિલમાં ટોરી રાજ પ્રવર્તી રહ્યું છે. તેમને ટકાવી રાખવાનો મોટો પડકાર ટોરીઝ સામે છે. જે રીતે રિફોર્મ યુકેનું પ્રભુત્વ વધી રહ્યું છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે કેમી બેડનોકની પાર્ટીને મોટો ફટકો પડી શકે છે.
ઓટમ બજેટ બાદ લેબર પાર્ટીની લોકપ્રિયતામાં પણ સતત ધોવાણ થયું છે. જુલાઇ 2024માં સંસદની ચૂંટણી પછી કાઉન્સિલ બેઠકોની પેટાચૂંટણીમાં લેબર પાર્ટી સતત પરાજયનો સામનો કરતી રહી છે. રિફોર્મ યુકે કન્ઝર્વેટિવ પાર્ટીને બરબાદ કરી રહી છે પરંતુ લેબરના આંતરિક સૂત્રો સારી રીતે જાણે છે કે રિફોર્મના ઉદયથી તેમને પણ પારાવાર નુકસાન થઇ રહ્યું છે.