લંડનઃ લોકલ ઓથોરિટીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે પોતાના જ ભાઇને 3,00,000 પાઉન્ડની લાંચ આપવાનો આરોપ પ્રોપર્ટી કંપનીના ડિરેક્ટર પર મૂકાયો છે. કેઇએમ પ્રોપર્ટી સર્વિસિઝના બિઝનેસમેન 63 વર્ષીય એશ્લી પારકરે બ્રાઇટન એન્ડ હોવ સિટી કાઉન્સિલમાં હાઉસિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહેલા પોતાના જ ભાઇ 64 વર્ષીય જુગલ શર્માને લાંચ આપી હતી.
આ મામલો 2004થી 2014ના સમયગાળાનો છે જેમાં કેઇએમ પ્રોપર્ટી સર્વિસિઝને 350 ફ્લેટ અને મકાન કાઉન્સિલને ઉપલબ્ધ કરાવવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. એશ્લી પારકરે તેમનો ભાઇ કાઉન્સિલમાં જોડાયા બાદ ડીડ પોલ દ્વારા પોતાનું નામ એશોન શર્માથી બદલીને એશ્લી પારકર કરી નાખ્યું હતું. તેમના ભાઇ જુગલ શર્માએ કાઉન્સિલ દ્વારા અપાતા કોન્ટ્રાક્ટમાં તેમના પરિવારના કોઇ સભ્ય સંકળાયેલા નથી તેવી બાંયધરી આપ્યા કરી હતી.
જુગલ શર્મા કાઉન્સિલમાં જોડાયા તેના એક વર્ષ પછી જ કેઇએમ પ્રોપર્ટી સર્વિસિઝની સ્થાપના કરાઇ હતા. કંપનીને 10 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને 2014 સુધીમાં કંપનીનો નફો 2.3 મિલિયન પાઉન્ડ પ્રતિ વર્ષ પહોંચી ગયો હતો.

