લંડનઃ રિફોર્મ યુકે તરફથી કાયદાકીય પડકારની સંભાવનાને ધ્યાનમાં લેતાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મે મહિનામાં નિર્ધારિત કાઉન્સિલ ચૂંટણીઓ વિલંબિત કરવાની યોજના પડતી મૂકી છે. સરકારી વકીલોએ ચેતવણી ઉચ્ચારી હતી કે સરકારનું આ પગલું ગેરકાયદેસર પૂરવાર થઇ શકે છે.
સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન સ્ટાર્મરનો આ 14મો યુ-ટર્ન છે. લેબર પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતાને જોતાં વડાપ્રધાન સ્ટાર્મરની રાજકીય સમસ્યાઓમાં આ યુ-ટર્નથી વધારો થઇ શકે છે.
લગભગ 30 કાઉન્સિલમાં ચૂંટણી વિલંબિત કરવાની યોજના હતી જેમાંથી 21 કાઉન્સિલ પર લેબર પાર્ટીનો કબજો છે. તેમાંથી સંખ્યાબંધ કાઉન્સિલો રિફોર્મ યુકે પાર્ટીના ટાર્ગેટ પર હતી. રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે જણાવ્યું હતું કે, હું આ નિર્ણયથી ખુશ થયો છું. લોકલ ગવર્મેન્ટ સેક્રેટરી સ્ટીવ રીડે હવે રાજીનામુ આપી દેવું જોઇએ. સરકારના નિર્ણયને પડકાર આપવા માટે રિફોર્મ યુકેને થયેલો 1,00,000 પાઉન્ડનો ખર્ચ સરકારે આપવો જોઇએ.
ઇંગ્લેન્ડમાં કાઉન્સિલોની પુનઃરચના માટે લેબર સરકારે 30 કાઉન્સિલમાં આ વર્ષે ચૂંટણી રદ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. સરકારે દલીલ આપી હતી કે ચૂંટણીમાં વિલંબ જરૂરી છે જેથી કાઉન્સિલો નાણા બચાવી શકે અને અધિકારીઓ કાઉન્સિલોની પુનઃરચના પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. હવે નવી કાયદાકીય સલાહ બાદ સરકારે આ યોજના પડતી મૂકી છે.
મતદાન વયમર્યાદા 16 વર્ષ કરતો ખરડો સંસદમાં રજૂ
મતદાન અધિકારની વયમર્યાદા 16 વર્ષ કરવાની જોગવાઇ ધરાવતો ખરડો સંસદમાં રજૂ કરાયો છે. આમ આગામી સંસદની ચૂંટણી પહેલાં 16 કે તેથી વધુ વયના નાગરિક મતદાન કરી શકે તે માટેની પ્રક્રિયાનો સંસદમાં પ્રારંભ થઇ ગયો છે. રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ બિલમાં રાજકીય ડોનેશન અને વિદેશી હસ્તક્ષેપ અંગે પણ આકરાં પગલાંની ભલામણ કરાઇ છે. સરકારની દલીલ છે કે મતદાનની વયમર્યાદા ઘટાડવાથી યુવાઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ થઇ શકશે અને તેમનો અવાજ સુનિશ્ચિત કરી શકશે. જો કે ટીકાકારોનું કહેવું છે કે મતદાન કરવા માટે 16 વર્ષના સગીરો જિંદગીનો પુરતો અનુભવ ધરાવતા નથી.


