લંડનઃ 2024માં યોજાનારી સંસદીય ચૂંટણીના લિટમસ ટેસ્ટ સમાન સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીમાં યુકેની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર ઇંગ્લેન્ડમાં લેબર અને લિબરલ ડેમોક્રેટ પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ટી પર મહત્વની સરસાઇ હાંસલ કરી છે. લેબર પાર્ટીને અગાઉ કરતાં 536 બેઠકોનો લાભ થયો છે અને વધુ 22 કાઉન્સિલ પર પાર્ટીએ કબજો જમાવી દીધો છે. હવે લેબર પાર્ટી ઇંગ્લેન્ડમાં સ્થાનિક સરકારમાં સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. વડાપ્રધાન રિશી સુનાકની પાર્ટીને આ ચૂંટણીઓમાં 1061 બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને પણ 407 કાઉન્સિલ બેઠકોનો લાભ થયો છે.
સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીને 35 ટકા મત મળ્યા છે જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને 26 ટકા મત મળ્યાં હતાં. સ્થાનિક ચૂંટણીના પરિણામોના આધારે સંસદની ચૂંટણીની સમીક્ષા કરાય તો લેબર પાર્ટીને બહુમતી માટે જરૂરી 326 બેઠક કરતાં 14 બેઠક ઓછી મળી કહેવાય. ઇલેક્શન એક્સપર્ટ માઇકલ થ્રેસર કહે છે કે સ્થાનિક ચૂંટણીઓમાં મળેલા મતને આધારે કહી શકાય કે લેબર પાર્ટીને સંસદની ચૂંટણીમાં બહુમતી કરતાં 28 બેઠક ઓછી મળી શકે છે.
આ ચૂંટણી પરિણામોથી લિબરલ ડેમોક્રેટ પણ જુસ્સામાં આવી ગયાં છે. તેમનો દાવો છે કે સાઉથ ઇંગ્લેન્ડમાં ચાન્સેલર જેરેમી હન્ટ, મંત્રીઓ માઇકલ ગોવ, ડોમિનિક રાબ અને થેરેસા મેના મતવિસ્તારો સહિતની 20 સંસદીય બેઠકો જીતી શકે છે.
લોકલ કાઉન્સિલ ઇલેક્શન પરિણામ (બેઠક પ્રમાણે)
કન્ઝર્વેટિવ પાર્ટી – 2287 બેઠક પર વિજય – 1064 બેઠકનું નુકસાન
લેબર પાર્ટી – 2652 બેઠક પર વિજય – 528 બેઠકનો લાભ
લિબરલ ડેમોક્રેટ – 1615 બેઠક પર વિજય – 407 બેઠકનો લાભ
ગ્રીન પાર્ટી – 481 બેઠક પર વિજય – 241 બેઠકનો લાભ
અન્ય – 987 બેઠક પર વિજય -112 બેઠકનું નુકસાન
લોકલ કાઉન્સિલ ઇલેક્શન પરિણામ (કાઉન્સિલ પ્રમાણે)
કન્ઝર્વેટિવ પાર્ટી – 33 કાઉન્સિલ પર કબજો – 49 કાઉન્સિલ ગુમાવી
લેબર પાર્ટી – 71 કાઉન્સિલ પર કબજો – 22 કાઉન્સિલનો લાભ
લિબરલ ડેમોક્રેટ – 29 કાઉન્સિલ પર કબજો – 12 કાઉન્સિલનો લાભ
ગ્રીન પાર્ટી – 01 કાઉન્સિલ પર કબજો – 01 કાઉન્સિલનો લાભ
અન્ય – 93 કાઉન્સિલ પર કબજો – 14 કાઉન્સિલનો લાભ


