લંડનઃ ઈંગ્લેન્ડની સ્થાનિક કાઉન્સિલ્સને લોકડાઉન નિયમો હેઠળ ૧૭ જુલાઈ સુધી પબ્સ અને રેસ્ટોરાં બંધ રાખવાની સત્તા લંબાવવામાં આવી છે. આ સત્તા ગત વર્ષે આપવામાં આવી હતી જે આગામી સપ્તાહે પૂર્ણ થવાની હતી. બેકબેન્ચ ટોરી ગ્રૂપના ૭૦ સાંસદો દ્વારા કોવિડ નિયંત્રણો ક્યારે ઉઠાવી લેવાશે તેનું ટાઈમટેબલ આપવા સરકાર સમક્ષ માગણી કરી હતી. દરમિયાન મધ્ય ફેબ્રુઆરી સુધીના ત્રીજા લોકડાઉનને ઉનાળા સુધી લંબાવાશે નહિ તેમ જણાવવા ડાઉનિંગ સ્ટ્રીટે નકાર્યું છે.
ઈંગ્લેન્ડમાં પબ્સ અને રેસ્ટોરાં બંધ રાખવાની સ્થાનિક કાઉન્સિલને અપાયેલી સત્તાઓ જુલાઈની મધ્ય સુધી લંબાવવામાં આવી છે. આ વિશેષ સત્તા હેઠળ ઈંગ્લેન્ડની કાઉન્સિલો લોકડાઉન નિયંત્રણો મુજબ હોસ્પિટાલિટી, વેપારધંધા અને જાહેર સ્થળો બંધ કરાવી શકે છે. આની સીધી અસર હેઠળ પબ્સ અને રેસ્ટોરાં ૧૭ જુલાઈ સુધી બંધ રાખી શકાશે. આ પગલાંનો અર્થ લોકડાઉન લંબાવાયાનો થતો નથી પરંતુ, સરકાર વર્તમાન લોકડાઉન લંબાવવા નિર્ણય કરે તો આ પગલાંનો અમલ ચાલુ હોય તેનાથી સુગમતા રહેશે.
ત્રીજા લોકડાઉનની જાહેરાત કરતી વેળાએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નિયંત્રણો હઠાવવા માટે મધ્ય ફેબ્રુઆરીનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે, નિયંત્રણો ક્યારે ઉઠાવી લેવાશે તે કહેવાનું કવેળાનું ગણાશે તેમ જણાવી મિનિસ્ટર્સે લાખો બ્રિટિશર્સની આશા પર ઠંડુ પાણી રેડી દીધું છે. બીજી તરફ, ડાઉનિંગ સ્ટ્રીટે પણ વર્તમાન લોકડાઉન સ્પ્રિંગ અને તેનાથી આગળ ઉનાળા સુધી લંબાવાય તેવી શક્યતાને નકારવા ઈનકાર કરી દીધો છે.