લંડનઃ હવે દેશની શેરીઓ કચરાથી ઉભરાતી દેખાય તો નવાઈ પામશો નહિ કારણકે ઈંગ્લેન્ડ અને વેલ્સની પાંચ કાઉન્સિલ દર ત્રણ સપ્તાહે એક વખત જ કચરાના ડબ્બાં ખાલી કરવા લઈ જાય છે અને વધુ કાઉન્સિલો તેમના માર્ગે ચાલે તેવી શક્યતા છે. આમ પણ, બે તૃતીઆંશ લોકોના કચરાના ડબ્બાં દર ૧૫ દિવસે એક વખત ખાલી કરવા લઈ જવાય છે. આંકડાઓ દર્શાવે છે કે માત્ર છ ટકા લોકોના જ વેસ્ટ બિન્સ દર સપ્તાહે ખાલી કરાય છે. કેટલાક સત્તાવાળા તો ભૂમિપૂરણીમાં જતાં કચરાનું પ્રમાણ ઘટાડવા મહિનામાં એક વખત જ વેસ્ટ બિન્સ ખાલી કરવાનું વિચારી રહ્યા છે. જોકે, આના પરિણામે શેરીઓમાં વેરાતાં કચરા, ઊંદર, માખીઓના બણબણાટ અને ખરાબ ગંધનું પ્રમાણ વધવાની દહેશત વ્યક્ત થાય છે.
ITV ના ટુનાઈટ કાર્યક્રમ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે યુકેના આશરે બે તૃતીઆંશ ઘર માટે દર પખવાડિયે વેસ્ટ બિન્સ ખાલી કરાય છે, જ્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સની પાંચ કાઉન્સિલ લેન્ડફિલ માટે દર ત્રણ સપ્તાહે એક વખત જ કચરાના ડબ્બાં ખાલી કરે છે. છેલ્લે લેબર પાર્ટી સંચાલિત ઓલ્ધામ કાઉન્સિલે આવી જાહેરાત કરી છે, જેના થકી તે વર્ષે ૧.૫ મિલિયન પાઉન્ડ બચાવવા માગે છે. કાઉન્સિરો આવાં પગલાં માટે સરકારને દોષ આપતા કહે છે કે આનાથી રીસાઈકલિંગમાં ૧૨ ટકાનો વધારો થશે. જોકે, ખોરાકી અને ગાર્ડન વેસ્ટ દર સપ્તાહે એકત્ર કરવામાં આવશે.
સમગ્ર બ્રિટનમાં સત્તાવાળા કચરો એકત્ર કરવાનું પ્રમાણ ઘટાડી રહ્યા છે. માન્ચેસ્ટર સિટી કાઉન્સિલે ૨૪૦ લિટરના વેસ્ટ બિન્સના બદલે ૧૪૦ લિટરના બિન્સ મૂકવાની જાહેરાત કરી છે. સ્કોટલેન્ડમાં ફાઈફ કાઉન્સિલે ગયા વર્ષે જ મહિને એક વખત કચરો ખાલી કરવાનો પ્રયોગ કર્યો હતો. સમરસેટ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પણ આવા પ્રયોગ કરાયા છે.


