લંડનઃ યુકેમાં રેફ્યુજી તરીકે આવેલા કાનબાર હોસેન બોરને ફિજી ખાતેના યુકેના હાઇ કમિશ્નર નિયુક્ત કરાયા છે. આ હોદ્દો હાંસલ કરનારા તેઓ પ્રથમ રેફ્યુજી છે. 1987માં માતાની સાથે બાળક તરીકે ઇરાનથી નાસીને યુકે આવેલા કાનબાર હવે ફિજી સાથે યુકેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.
કિંગ ચાર્લ્સ સાથેની વિધિવત મુલાકાત બાદ કાનબારે જણાવ્યું હતું કે, ફર્સ્ટ જનરેશન ઇમિગ્રન્ટ્સને આવકારનાર બ્રિટિશ લોકોનો હું આભારી છું. બ્રિટને મને તમામ તક ઉપલબ્ધ કરાવી છે.
કાનાબારનો બલોચી પરિવાર ઇરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં રહેતો હતો. ઇરાનની ઇસ્લામિક ક્રાંતિ બાદ તેમની માતા સાથે યુકેમાં રેફ્યુજી તરીકે આવ્યા હતા. બ્રિટનમાં શિક્ષણ અને બેરિસ્ટર બન્યા બાદ તેઓ વિદેશ વિભાગ સાથે જોડાયા હતા.