લંડનઃ ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બ્રિટ્રેશન (ICA) દ્વારા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સહયોગ થકી 5 જૂન 2023ના સોમવારે લંડનમાં ‘આર્બિટ્રેટિંગ ઈન્ડો-યુકે કોમર્શિયલ ડિસ્પ્યુટ્સ’ની બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ કોન્ફરન્સની સફળતાથી પ્રેરાઈ આ કોન્ફરન્સમાં ભારત અને યુકે વચ્ચે વાણિજ્ય વિવાદોના નિરાકરણ માટે મૂલ્યવાન સમજણ પૂરી પાડવાનું લક્ષ્ય રખાયું હતું.
આ પ્રસંગે કાયદા અને આર્બ્રિટ્રેશન (લવાદી) કોમ્યુનિટીઓના વિશિષ્ટ મહેમાનો અને પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના નિષ્ણાત જ્ઞાનનો લાભ આપતા લવાદપ્રક્રિયા સંદર્ભે વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ કોન્ફરન્સ કાનૂની વ્યાવસાયિકો, નીતિ ઘડવૈયાઓ અને આ ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે વિચારવિનિમય અને સહકારનું નોંધપાત્ર મંચ બની રહી હતી.
ભારતની સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ હિમા કોહલીએ કોન્ફરન્સ ખાતે ચાવીરૂપ વક્તવ્ય આપવા સાથે ઈન્ડો-યુકે વાણિજ્ય વિવાદોમાં લવાદની તક અને પડકારો વિશે ઊંડી સમજ પૂરી પાડી હતી અને ન્યાયતંત્ર નિષ્પક્ષ અને વાજબી ADR સિસ્ટમ માટે સક્રિયપણે કાર્યરત હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
આ ચર્ચાને વધુ સમૃદ્ધ બનાવતા ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના કેબિનેટ મિનિસ્ટર અર્જુન રામ મેઘવાલે પોતાના વિશેષ પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં કાનૂની સુધારાઓ ઘણા આગળ વધ્યા છે તે જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે આ સુધારાઓ થકી માત્ર ઈન્વેસ્ટર્સના સુવિધા સ્તરમાં વધારો થયો છે એટલું જ નહિ, ભારતને વિશ્વસ્તરે આર્બ્રિટ્રેશન કેન્દ્ર તરીકે આગળ વધારવાના હેતુસર કોર્ટ્સના કાર્યબોજને પણ હળવો બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે,‘મને ખાતરી છે કે ભારત સરકાર દ્વારા વિવાદ નિરાકરણના ક્ષેત્ર સહિત હાથ ધરાયેલા વિવિધ સુધારાઓ ઈન્વેસ્ટર્સ માટે પ્રોત્સાહક બની રહેશે તેમજ વિવિધ સેક્ટર્સમાં સહકારને વધારવાનું ઉત્તેજન આપશે અને ભારત-યુકે સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘બંને પક્ષો વચ્ચે રોડમેપ 2030ના લોન્ચ થવા સાથે પાયો નખાયો છે ત્યારે આગામી વર્ષોમાં ભારત-યુકે સંબંધો અને ખાસ કરીને વેપાર અને વાણિજ્યના ક્ષેત્રોમાં નવી વૃદ્ધિ જોવાં મળશે.’
બ્લેકસ્ટોન ચેમ્બર્સના સભ્ય અને ભારતના પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલ્વે Kcએ કોન્ફરન્સમાં પોતાના સંબોધન દરમિયાન નિષ્ણાત જ્ઞાન અને ઊંડી સમજનો લાભ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે યાત્રાનો આરંભ થઈ ગયો છે અને તમામ હિસ્સેદારો સાથે મળીને ભારતને લંડનની માફક આગામી આર્બ્રિટ્રેશન કેન્દ્ર બનાવાય તેનો સમય પાકી ગયો છે.
ભારતના યુકેસ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષે ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી લવાદ સંબંધોને મજબૂત બનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બ્રિટ્રેશનના ડાયરેક્ટર જનરલ અરુણ ચાવલાના સ્વાગત પ્રવચન સાથે કોન્ફરન્સનો આરંભ થયો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત-યુકેના બિઝનેસ વાતાવરણને મજબૂત વિવાદ નિરાકરણ સાધનની આવશ્યકતા છે. ઈવેન્ાટના સમાપને ધ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બ્રિટ્રેશનના વાઈસ પ્રેસિડેન્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ગીતા લુથરાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.


