કામચલાઉ બંધ ત્રણમાંથી એક કંપની ફરી ખુલે નહિ તેવો ભય

Friday 22nd May 2020 09:23 EDT
 

લંડનઃ કોરોના લોકડાઉનમાં કામચલાઉ બંધ કરાયેલી ત્રણમાંથી એક કંપની ફરી ખુલે નહિ તેવો ભય વર્તાય છે. બ્રિટનના સૌથી મોટા એમ્પ્લોયર્સ ગ્રૂપ ધ ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસીસ (FSB)ના સર્વેમાં આ તારણો બહાર આવ્યાં છે. ત્રણમાંથી એક નાની કંપનીઓએ જણાવ્યું છે કે તેમણે છટણીઓ કરી દીધી છે અથવા વિચારે છે. મહામારીમાં બિઝનેસીસ જ્યાં આવીને અટક્યા છે ત્યાંથી ઉભા થઈ આગળ વધવું તેમના માટે લગભગ અશક્ય બની રહેશે.

સર્વે હેઠળની ૫૦૦૦થી વધુ કંપનીઓમાં ૧૦માંથી સાત કંપની વેતનના ૮૦ ટકા આપતી સરકારની સ્ટાફ ફર્લો યોજનાનો ઉપયોગ કરી રહી છે. FSB જણાવે છે કે સરકાર સહાય આપવામાં અચાનક પીછેહઠ કરશે ત્યારે લાખો લોકોના નિર્વાહ સામે જોખમ સર્જાશે. સરકારે ફર્લો યોજના ઓક્ટોબર સુધી લંબાવી છે તેનાથી ૭૫ ટકા એમ્પ્લોયર્સને તેમજ ઓગસ્ટ મહિનાથી વર્કર્સને પાર્ટ-ટાઈમ કામે ચડાવવાની ક્ષમતાને ફાયદો થશે. જોકે, કેટલા એમ્પ્લોયર્સ આમ કરી શકશે તેની શંકા પ્રવર્તે છે.

સર્વેમાં ૧૦માંથી ચાર કંપનીએ જણાવ્યું છે કે યુકેમાં કોરોના રોગચાળાના આરંભથી જ તેમને બંધ થવાની ફરજ પડી છે. જે કંપનીઓ બંધ થઈ છે તેમાંથી ૩૫ ટકાને ફરીથી ધંધો શરુ કરવા બાબતે શંકા છે. મહામારીની ગંભીર આર્થિક અસરોના પરિણામે પ્રીમાઈસિસ પર મોર્ગેજ અથવા લીઝ ચૂકવતા ૨૫ ટકાથી વધુ નાના બિઝનેસીસ નાણા ચૂકવી શક્યા નથી અથવા ચૂકવણીમાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. લગબગ આટલા જ બિઝનેસીસે તેમના ઉત્પાદનોને વિકસાવવાનું માંડી વાળવું પડ્યું છે. આર્થિક પેદાશ ભાંગી પડી છે ત્યારે બિઝનેસીસ ફર્લો પરના કર્મચારીઓના વેતન માટે કોઈ ફાળો આપી શકે તેવી સ્થિતિમાં હોવાની શંકા છે.

આશરે ૨૦,૦૦૦ નાના અને મધ્યમ કક્ષાના બિઝનેસ ક્લાયન્ટ્સ સાથે કામ કરી રહેલી ૧૯ રીજિયોનલ એકાઉન્ટ્ન્સી ફર્મ્સનો અલગ અભ્યાસ જણાવે છે કે લોકડાઉન હળવું કરાયા પછી પણ અસ્તિત્વ જાળવી રાખવા એમ્પ્લોયર્સને લાંબા ગાળાના ટેકાની જરુર પડશે. આવી ૧૦માંથી માત્ર એક કંપની આગામી મહિનાઓ માટે કેશફ્લો પ્રોજેક્શન કરી શકે તેમ હોવાનું કોર્પોરેટ ફાઈનાન્સ નેટવર્કનું સંશોધન જણાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter