કામચોરોને યુનિવર્સિલ ક્રેડિટના લાભ બંધ કરવા સરકારની તૈયારી

18 મહિનામાં નોકરી નહીં શોધનાર લાભાર્થીને ફ્રી પ્રિસ્ક્રિપ્શન, ડેન્ટલ કેર, એનર્જી બિલની સહાય બંધ કરી દેવાની સરકારની ચીમકી

Tuesday 09th January 2024 11:27 EST
 

લંડનઃ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન દ્વારા યુનિવર્સિલ ક્રેડિટના નિયમોમાં કરાયેલા બદલાવોના કારણે લાખો પરિવારોને વિનામૂલ્યે પ્રિસ્ક્રિપ્શનના લાભ ગુમાવવાનો વારો આવશે. યુનિવર્સિલ ક્રેડિટ માટે દાવો કરનાર વ્યક્તિ નોકરી શોધવાનો ઇનકાર કરશે તો તે વિનામૂલ્યે મળતા એનએચએસ પ્રિસ્ક્રિપ્શન, ડેન્ટલ કેર અને એનર્જી બિલની સહાયના લાભ ગુમાવી શકે છે. 

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનના લાભ મળતા થાય ત્યારથી 18 મહિનામાં નોકરી નહીં મેળવનાર લાભાર્થીને અપાતા લાભ બંધ કરી દેવાશે. ચાન્સેલર જેરેમી હન્ટ અગાઉ જણાવી ચૂક્યાં છે કે મહેનત કરનારા કરદાતાઓ સાથે ન્યાય થવો જોઇએ. નોકરી કરવાનું ટાળતા લોકોને લાભ આપવાનું બંધ કરી દેવું જોઇએ.

બેનિફિટ્સ મિનિસ્ટર મેલ સ્ટ્રાઇડે સરકારના બેક ટુ વર્ક પ્લાનની તૈયારી કરી લીધી છે જે 2024માં 3 તબક્કામાં લાગુ કરાશે. સ્ટ્રાઇડે જણાવ્યું હતું કે, કેટલાક બેરોજગારો જાણી જોઇને નોકરી શોધવાનો પ્રયાસ કરતા નથી અને સરકાર દ્વારા અપાતા લાભો મેળવવાનું ચાલુ રાખે છે. જે લોકો જોબ સેન્ટર દ્વારા અપાતી સહાય છતાં નોકરી શોધવાનો પ્રયાસ કરતાં નથી તેમને 18 મહિના પછી કોઇપણ પ્રકારના લાભ અપાવા જોઇએ નહીં.

દાયકાના અંત સુધીમાં 20 લાખથી વધુ વિકલાંગતાના લાભ માટે દાવો કરશે

આ દાયકાના અંતે ઇંગ્લેન્ડમાં 20 લાખ કરતાં વધુ લોકો વિકલાંગતાના લાભો માટે દાવો કરશે. માનસિક બીમારીઓની મદદમાં 50 ટકા કરતાં વધુનો વધારો થશે. સત્તાવાર અંદાજ પ્રમાણે સરકાર દ્વારા વિકલાંગતાના લાભ માટે કરાતા ખર્ચમાં પ્રતિ વર્ષ 17 બિલિયન પાઉન્ડનો વધારો થશે. સરકાર વર્તમાન સમયમાં 48 બિલિયન પાઉન્ડ સહાય પેટે ચૂકવી રહી છે. ચેતવણી આપવામાં આવી રહી છે કે સહાયની રકમ નિયંત્રણ બહાર જઇ રહી છે. હાલમાં ડિપ્રેશન અને એન્ઝાઇટીના કારણોસર સૌથી વધુ લાભ મેળવવામાં આવે છે. વસતીમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને તેઓ સાંધા અને કમરના દુખાવાથી પીડાઇ રહ્યાં છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે બ્રિટનમાં ખરાબ આરોગ્ય અત્યંત ખર્ચાળ બની રહ્યું છે. તેનો સીધો બોજો સરકારી તિજોરી પર પડી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter