લંડન
બ્રિટનમાં ફુગાવાનો દર 40 વર્ષની ટોચની સપાટી પર પહોંચી જતાં વેતનનું મૂલ્ય તળિયે પહોંચી જતાં વિવિધ વિભાગોના હજારો કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યાં છે. બ્રિટનના રેલવે, ટપાલ અને બંદર વિભાગોના હજારો કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે સરકારનું ગળુ દબાવી રહ્યાં છે. બ્રિટનના રેલવે નેટવર્કના હજારો કર્મચારીઓએ આ સપ્તાહમાં છેલ્લા 30 વર્ષની સૌથી મોટી હડતાળ પાડી હતી જેના કારણે લંડનની વિશ્વવિખ્યાત ટ્યુબ ટ્રેન સહિત લાંબા અંતરની રેલવે સેવાઓ ખોરવાઇ ગઇ હતી. બે દિવસની રેલવે હડતાળના પગલે હજારો પ્રવાસીઓના વેકેશન પ્લાન ખોરવાઇ ગયાં હતાં. તે ઉપરાંત નોકરિયાતોને પણ કામના સ્થળોએ પહોંચવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. નેટવર્ક રેલવેની ફક્ત 20 ટકા ટ્રેનોનું સંચાલન કરાયું હતું. એલએનઇઆર અને ક્રોસ કન્ટ્રી સહિતના ઓપરેટરોની ટ્રેન સેવાઓને પણ અસર પડી હતી. આરએમટી યુનિયનના માઇક લિન્ચે જણાવ્યું હતું કે, જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે વધુ આકરા પગલાં ભરીશું. બ્રિટનના સૌથી મોટા યુનિયન યુનાઇટના વડા શેરોન ગ્રેહામે જણાવ્યું હતું કે, કાળઝાળ મોંઘવારીના સમયગાળામાં અમારી નોકરીઓ બચાવવા, વેતન વધારાની માગ માટે અમે જરૂરી તમામ પ્રયાસો કરી છૂટીશું. વેતનના મૂલ્યમાં થયેલા તોતિંગ ઘટાડાની સામે લડવા માટે યુનાઇટ જેવા યુનિયનો જરૂરી તમામ પગલાં લેશે. પગાર વધારાના કારણે ફુગાવો વધતો નથી.
રેલવે વિભાગની સાથે સાથે રોયલ મેઇલના 1,15,000 કર્મચારીઓ પણ વેતન વધારાની માગ સાથે હડતાળનું શસ્ત્ર ઉગામીને બેઠાં છે. ટપાલ વિભાગના કર્મચારીઓએ વેતન વધારાની માગ સાથે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 4 દિવસ હડતાળ પર જવાનું એલાન આપ્યું છે. ટપાલ વિભાગના કર્મચારીઓ 26 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 8 સપ્ટેમ્બર અને 9 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડશે. હડતાળના દિવસોમાં ટપાલની ડિલિવરી કરાશે નહીં જેના કારણે ઘણા અગત્યના પાર્સલ અને પત્રોની ડિલિવરી વિલંબમાં પડવાની સંભાવના છે.
બ્રિટનના સૌથી મોટા કન્ટેનર પોર્ટ ખાતે કર્મચારીઓ હડતાળ પર
બ્રિટનના સૌથી મોટા કન્ટેનર પોર્ટ ગણાતા પોર્ટ ઓફ ફેલિક્સ્ટોવ ખાતે કર્મચારીઓની હડતાળનો રવિવારથી પ્રારંભ થયો હતો. લંડનથી 150 કિમી દૂર આવેલા આ પોર્ટ પર કામ કરતા કર્મચારીઓએ વેતન વધારાની માગ સાથે હડતાળનો પ્રારંભ કર્યો છે. આ પોર્ટ પર વર્ષે 40 લાખ કન્ટેનરની હેરફેર થાય છે. પોર્ટ પર હડતાળના કારણે સપ્લાય ચેઇન ખોરવાઇ જવાનો અને સમગ્ર દેશમાં આર્થિક પ્રવૃત્તિ પર અસર પડવાની સંભાવના છે.
યુનિવર્સિટીઓ પગાર વધારો નહીં કરે તો હડતાળ પર જવા સ્ટાફની ચેતવણી
યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયને જણાવ્યું છે કે સ્ટાફના પગાર વધારા માટે યુનિવર્સિટીઓ તેમની પાસે પડેલા વધારાના 3.4 બિલિયન પાઉન્ડના ભંડોળનો ઉપયોગ નહીં કરે તો આગામી શૈક્ષણિક સત્રમાં અમે હડતાળ પર ઉતરી જઇશુ. યુનિવર્સિટીઓ દ્વારા કેટલાક કર્મચારીઓને 3 ટકા જેવો નજીવો પગાર વધારો આપ્યો છે. યુનિયન 12.3 ટકા આરપીઆઇ સાથે બે ટકા વેતન વધારાની માગ કરી રહ્યું છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સના ક્રિમિનલ બેરિસ્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર જશે
ઇંગ્લેન્ડ અને વેલ્સના ક્રિમિનલ બેરિસ્ટરોએ જોબ અને વેતનના મુદ્દે આગામી મહિને અચોક્કસ મુદતની હડતાળ પર જવાનું એલાન કર્યું છે. જૂન મહિનાથી અમુક અંતરે કામનો બહિષ્કાર કરનાર ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ પાંચમી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સની મોટાભાગની ક્રાઉન કોર્ટોમાં કામકાજ ખોરંભે પડશે.
બ્રિટિશ એરવેઝના ગ્રાઉન્ડ સ્ટાફે પ્રસ્તાવિત હડતાળ મોકૂફ રાખી
હડતાળોની આ મોસમમાં કેટલીક કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચે સમાધાન પણ શક્ય બન્યાં છે. બ્રિટિશ એરવેઝનો હિથ્રો એરપોર્ટ ખાતેનો ગ્રાઉન્ડ સ્ટાફ અને પ્લેન રિફ્યુઅલર્સ તેમની પ્રસ્તાવિત હડતાળ પાછી ખેંચવા સહમત થયાં છે જ્યારે અન્ય કર્મચારીઓ હજુ હડતાળ પર જવા મક્કમ છે. ટેલિકોમ જાયન્ટ બીટીના કર્મચારીઓ પણ 35 વર્ષમાં પહેલીવાર હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. એમેઝોન વેરહાઉસના કર્મચારીઓ પણ હડતાળના મૂડમાં છે. યુકે બિઝનેસનું મોટું લોબી ગ્રુપ સીબીઆઇ કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા કરવા સંમત થયું છે.
એડિનબરોમાં કાઉન્સિલ સ્ટાફની હડતાળથી કચરાના ઢગલા સર્જાયા
સ્કોટલેન્ડના એડિનબરોમાં વાર્ષિક કોમેડી ઉત્સવની પૂર્ણાહૂતિ બાદ કચરાના ઢગલા સર્જાયા છે. કાઉસિલ સ્ટાફની 10 દિવસની હડતાળના કારણે શહેર સત્તાવાળાઓને કચરો ઉપાડવાનું કામ બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત રિસાયકલિંગ સેન્ટરો પણ ઠપ થયાં છે. નાગરિકોને કચરો તેમના ઘરોમાં જ રાખવાની સૂચના અપાઇ છે.
વેલ્શ એનએચએસના 700 ડોક્ટરની રાજીનામાની ધમકી
વેલ્શ એનએચએસના 700 ડોક્ટર ઓછા પગાર વધારાના વિરોધમાં રાજીનામા ધરી દે તેવી સંભાવના છે. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ મધ્યે એનએચએસસ પે રિવ્યૂ સમિતિએ કરેલી ભલામણો સામે ડોક્ટરોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. કન્સલ્ટન્ટ, જુનિયર ડોક્ટરો અને જીપીને ફુગાવાના દર કરતા ઓછો પગારવધારો મંજૂર નથી. ડોક્ટરોએ ચેતવણી ઉચ્ચારી છે કે પગાર વધારાના મુદ્દે પ્રવર્તી રહેલા રોષના કારણે એનએચએસની સેવાઓ ધરાશાયી થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ડોક્ટરોની ટેક હોમ સેલેરીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.


