લંડનઃ સરેરાશ યુકે વર્કર કામે જવા-આવવામાં સપ્તાહ દરમિયાન જન્ક ફૂડ ખાઈ વધારાની ૮૦૦ કેલરી મેળવે છે. રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થના અભ્યાસ અનુસાર રોજિંદા લાંબા પ્રવાસ કરનારાને તાણમાં વધારો, મર્યાદિત નિદ્રા અને શારીરિક પ્રવૃતિ તેમજ અનારોગ્યકારી ખોરાકના કારણે આયુષ્ય ઘટવાનું ભારે જોખમ રહે છે.
સંસ્થા માટે ૧,૫૦૦ લોકોનાં મત લેવાયાં હતાં, જેમાં ૪૦ ટકાએ પ્રવાસના લીધે કસરત અને નિદ્રાને અસર થતી હોવાનું અને ૩૩ ટકાએ ફાસ્ટ ફૂડના વપરાશમાં વધારો થયો હોવાનું કહ્યું હતું. આ પ્રવાસીઓને ૧૨ આઈટમોમાંથી તેઓ શેનો વપરાશ કરે છે તે પૂછવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન તેઓ ચોકલેટ, ક્રિસ્પ, ફિઝી ડ્રિન્ક્સ, ફાસ્ટ ફૂડ, મફિન્સ અને આલ્કોહોલ જેવી લોકપ્રિય આઈટમ્સના વપરાશથી ૭૬૭ કેલરી વધારાની મેળવે છે. જોકે, તેમને મર્યાદિત ૧૨ આઈટમ વિશે જ પૂછવામાં આવ્યું હોવાથી સરેરાશ મેળવાથી કેલરી વધુ પણ હોઈ શકે છે.
સરેરાશ વર્કર દિવસમાં ૫૫ મિનિટનો પ્રવાસ કરે છે. આશરે ૩૦ લાખ લોકો કામે આવવા-જવા પાછળ દિવસમાં બે કલાક કે તેથી વધુ અને ૯૦૦,૦૦૦ લોકો ત્રણ કલાક કે તેથી વધુ પ્રવાસ કરે છે.


