લંડનઃ દેશના વર્કફોર્સમાં સ્ત્રીનો અડધોઅડધ હિસ્સો હશે, પરંતુ તેઓ મુખ્યત્વે વેઈટ્રેસ, રીટેઈલ વર્કર્સ અને વહીવટી સહાયક જેવી ઓછા પગારની તળિયાની નોકરીઓમાં વધુ સંકળાયેલી હોય છે. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ છે. સ્ત્રીઓ વધુ શિક્ષણ સાથે પ્રોફેશનલ નોકરીઓમાં આવી રહી છે. વાસ્તવમાં ૨૦૨૦ સુધીમાં તમામ સોલિસીટર્સમાં તેમનો હિસ્સો અડધાથી વધુ હશે. સૌપ્રથમ વખત સ્ત્રીઓ આ વ્યવસાયમાં બહુમતી ધરાવતી થશે.
લો સોસાયટીની સ્પેશિયાલિસ્ટ કમિટીઓ દ્વારા તૈયાર કરાયેલા આંતરિક રિપોર્ટ ‘ધ ફ્યુચર ઓફ લીગલ સર્વીસીસ’માં કાયદાક્ષેત્રે સ્ત્રીઓના વધનારા પ્રભાવનો સંકેત અપાયો છે. લો સોસાયટીએ પ્રેક્ટિશનર્સ સમક્ષના પડકારો અને તકનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સોલિસીટર્સ વ્યવસાય હજુ વિકાસ પામી રહ્યો છે અને ૨૦૦૪થી ૨૦૧૪ના ગાળામાં લગભગ ૩૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રેક્ટિસના સર્ટિફિકેટ ધરાવતા કુલ ૧૩૦,૩૮૨ સોલિસીટર્સ હતા અને સ્ત્રીઓનાં પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.


