લંડનઃ ડાબેરી વકીલોએ સંખ્યાબંધ બળાત્કારીઓ, હત્યારાઓ અને લૂંટારાઓ માટે છેલ્લી ઘડીએ કોર્ટમાં અપીલ કરવાના લીધે સંયુક્ત ૪૬ વર્ષની સજા ધરાવતા માત્ર ૭ અપરાધીઓને જમૈકાના કિંગ્સટન ખાતે દેશનિકાલ કરી શકાયા હતા. કેમ્પેઈનર્સે કોવિડ નિયમોનો ઉપયોગ કરી સમગ્ર ફ્લાઈટ રદ કરાવતા એરબસ ૩૩૦ ફ્લાઈટ સ્ટાસ્ટીડથી ઉડ્ડયન કરી શકી ન હતી જ્યારે, ૩૩૦ બેઠક સાથેની ચાર્ટર્ડ વામોસ એર પ્લેનની ફ્લાઈટમાં ગણ્યાગાંઠ્યા કેદીઓ લઈ જવાયા હતા. ગંભીર ગુનાઓ માટે કુલ ૨૪૫ વર્ષની સજા ધરાવતા ૪૩ ગુનેગારોને વિમાનમાંથી ઉતારવા પડ્યા હતા.
દેશનિકાલ કરાનારા અપરાધીના વિમાનના ઉડ્ડયનને એક દિવસ બાકી હતો ત્યારે વકીલોએ ૧૮ અપરાધી માટે છેલ્લી ઘડીએ કોર્ટમાં અપીલ દાખલ કરાવી હતી. હોમ ઓફિસના સૂત્રોએ જણાવ્યા મુજબ વકીલોએ પોતાના ક્લાયન્ટ્સ માટે યુકેમાં તેમના અંગત પરિવાર અથવા યુકેમાં જન્મેલા બાળકો સહિત માનવ અધિકારોની દુહાઈ આપી હતી. આ ઉપરાંત, તેમણે મોડર્ન સ્લેવરી કાયદાઓ ટાંકતા દલીલો કરી હતી કે તેમના ક્લાયન્ટ્સ ખુદ પીડિત હોવાથી તેમને દેશનિકાલ કરાવા ન જોઈએ.
વ્હાઈટહોલના સૂત્ર અનુસાર સ્પેશિયાલિસ્ટ લો ફર્મ્સે ફરી એક વખત કાયદાની મજાક ઉડાવી છે. ખતરનાક વિદેશી અપરાધીઓને દેશમાં રાખવા કરદાતાઓના નાણા વેડફ્યા છે. જે સાત વિદેશી ગુનેગારને દેશની બહાર મોકલી શકાયા છે તેઓ બળાત્કાર, બાળકો વિરુદ્ધ સેક્સ્યુઅલ અપરાધો, હુમલા તેમજ ગેરકાયદે જીવલેણ શસ્ત્રો રાખવા બદલ ૪૬ વર્ષની સંયુક્ત સજા કરાયેલા છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે રોષ સાથે જણાવ્યું હતું કે, ‘આ લોકો બળાત્કાર, હુમલા, ગંભીર શારીરિક ઈજા ડ્રગ્સ અને બાળકો પર સેક્સ્યુઅલ હુમલા સહિતના ગુના માટે જવાબદાર હતા. તેમણે આપણા કાયદા અને મૂલ્યોનો ભંગ કર્યો છે અને તેમનો શિકાર બનેલા લોકો આજે પણ ગુનાની અસરો હેઠળ જીવે છે. દેશની પ્રજા અને પીડિતોના રક્ષણ માટે આ ગુનાખોરોને દૂર કરવાનો મારો મક્કમ નિર્ધાર છે. સરકાર વિદેશી એપરાધીઓને દેશનિકાલ કરવાનું ચાલુ જ રાખશે.’