લંડનઃ યુકેમાં ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવા હોમ સેક્રેટરી શબાના માહમૂદે સોમવારે અસાયલમ સિસ્ટમમાં મોટા બદલાવોની જાહેરાત કરી હતી. તેમણે આ બદલાવોને આધુનિક સમયમાં ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા માટેના સૌથી મોટા સુધારા તરીકે ગણાવ્યા હતા. સ્ટાર્મર સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારા ડેન્માર્કની સેન્ટર લેફ્ટ સરકારના મોડેલ પર આધારિત હોવાનું મનાય છે. મહત્વના સુધારા અંતર્ગત રેફ્યુજી સ્ટેટસને હંગામી બનાવી દેવાયું છે, અપીલની પ્રોસેસ પણ આકરી બનાવવામાં આવી છે અને દેશનિકાલ કરનારા વિદેશીઓને નહીં સ્વીકારનારા દેશો પર વિઝા પ્રતિબંધ લાદવાની પણ જોગવાઇ છે.
શબાના માહમૂદ દ્વારા રજૂ કરાયેલા 32 પાનાના નવા પોલિસી પેપરમાં ધરમૂળથી બદલાવની રૂપરેખા રજૂ કરાઇ છે. સરકારનો દાવો છે કે અસાયલમ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવો છતાં યુકે દ્વારા રેફ્યુજી માટેના આંતરરાષ્ટ્રીય નિયમોનું કોઇ પ્રકારનું ઉલ્લંઘન થતું નથી.
અસાયલમ સિસ્ટમમાં કરાયેલા મહત્વના બદલાવ અંતર્ગત યુકેમાં રાજ્યાશ્રય અપાશે તેવા વિદેશીઓને દેશમાં હંગામી ધોરણે જ રહેવાની પરવાનગી અપાશે અને તેમના રેફ્યુજી દરજ્જાની દર 30 મહિને જરૂર જણાશે તો જ સમીક્ષા કરાશે. યુકેમાં કાયમી વસવાટની પરવાનગી માટેની હાલની પાંચ વર્ષની મર્યાદા પણ હટાવી લેવામાં આવી છે. યુકેમાં કાયમી વસવાટની પરવાનગી માટે રેફ્યુજી યુકેમાં 20 વર્ષ રહ્યો હોવો જોઇએ.
માહમૂદે જણાવ્યું હતું કે, જે દેશની સ્થિતિ સુરક્ષિત જણાશે તે દેશના રેફ્યુજીને પરત મોકલી અપાશે. જેમકે સીરિયામાં અસદ સરકારના પતન બાદ સ્થિતિ સુરક્ષિત બની છે તેથી સરકાર સીરિયાના રેફ્યુજીઓને સ્વદેશ પરત ફરવા પ્રોત્સાહિત કરતી હતી પરંતુ હવે તેમને તેમના દેશ પરત ફરવા માટે ફરજ પડાશે.
સરકાર રેફ્યુજી માટે નવો વર્ક એન્ડ સ્ટડી વિઝા પણ શરૂ કરશે. જેના દ્વારા રેફ્યુજી પોતાનું સ્ટેટસ બદલી શકશે, બ્રિટનમાં અભ્યાસ અને નોકરી કરી શકશે. આ રીતે યુકેમાં સેટલ થવાની દિશામાં ઝડપથી આગળ વધી શકશે. જે રેફ્યુજીએ વર્ક અથવા સ્ટડી વિઝા મેળવ્યો હશે તેઓ જ યુકેમાં તેમના પરિવારજનોને સ્પોન્સર કરી શકશે.


