લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમૂદે સંકેત આપ્યો છે કે બ્રિટનમાં કાયમી વસવાટ મેળવવો વધુ મુશ્કેલ બનાવતા કડક કાયદાઓમાંથી કેટલાક માઇગ્રન્ટસને મુક્તિ આપી ખાસ રાહત આપવામાં આવી શકે છે. તેમણે ચોક્કસ જૂથો માટે અસ્થાયી વ્યવસ્થાઓની સંભાવના વ્યક્ત કરી છે જે અંતર્ગત જીવનસાથી અને વયોવૃદ્ધ વ્યક્તિઓને કડક નિયમોમાં છૂટછાટ અપાશે.
હોમ સેક્રેટરીની આ યોજના અંતર્ગત મોટાભાગના ઇમિગ્રન્ટ્સે ઇન્ડેફિનેટ લીવ ટુ રિમેઇન - ILR મેળવવા માટે હવે પાંચના બદલે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી રાહ જોવી પડશે. આ નિયમ હાલમાં યુકેમાં વસતા લોકો પર પણ પાછલી અસરથી લાગુ કરવાના પ્રસ્તાવને કારણે શાસક લેબર પાર્ટીના સાંસદો સહિત રાજકીય સ્તરે ભારે વિરોધ શરૂ થયો છે.
હાઉસ ઓફ લોર્ડ્સની જસ્ટિસ એન્ડ હોમ અફેર્સ કમિટી સમક્ષ હાજર થયેલા શબાના માહમૂદે આ પ્રસ્તાવનો બચાવ કરતા જણાવ્યું હતું કે, સરકાર આ અંગે વ્યાપક પરામર્શ કરી રહી છે અને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. બાળકો તેમજ કૌટુંબિક આવક જેવા વિવિધ પાસાઓ પર નીતિ નક્કી કરવાની હજી બાકી છે.


