કાર ઈન્ડસ્ટ્રી મુશ્કેલીમાંઃ ફોર્ડનો બ્રિજેન્ડ પ્લાન્ટ બંધ કરાશે, ૧૩૦૦ નોકરીને અસર

માત્ર છ મહિનામાં ૧૦,૦૦૦થી વધુ નોકરીઓ પર કાપઃ હોન્ડા પણ સ્વીન્ડોન પ્લાન્ટ ૨૦૨૧માં બંધ કરશે

Friday 14th June 2019 02:47 EDT
 
 

લંડનઃ યુકેની કાર ઉત્પાદક ઈન્ડસ્ટ્રી મુશ્કેલીમાં આવી પડી છે. માત્ર છ મહિનામાં ૧૦,૦૦૦થી વધુ નોકરીઓ પર કાપ મૂકાયો છે. યુએસની જાયન્ટ મોટર કંપની ફોર્ડે તેની સાઉથ વેલ્સસ્થિત બ્રિજેન્ડ એન્જિન ફેક્ટરી આગામી સપ્ટેમ્બરથી બંધ કરવાની જાહેરાત કરી છે, જેના પરિણામે આશરે ૧,૩૦૦ નોકરીઓ ગુમાવવાની થશે. જાપાનીઝ કાર જાયન્ટ હોન્ડાએ પણ વિલ્ટશાયરમાં સ્વીન્ડોન પ્લાન્ટ ૨૦૨૧માં બંધ કરવાની જાહેરાત કરી છે, જેનાથી ૩૫૦૦ નોકરી પર જોખમ આવશે. બ્રિટનની સૌથી મોટી કાર ઉત્પાદક જગુઆર લેન્ડ રોવરે ૪૫૦૦ નોકરીઓમાં કાપ મુકવા જાહેરાત કરી છે. વર્ષ ૨૦૧૮માં બ્રિટનની કાર ઇન્ડસ્ટ્રીમાં આંતરિક મૂડીરોકાણ અડધું રહી ગયું છે.

યુએસની મોટર કંપની ફોર્ડે સાઉથ વેલ્સસ્થિત લગભગ ૩૦ વર્ષ જૂની બ્રિજેન્ડ એન્જિન ફેક્ટરી આગામી સપ્ટેમ્બરથી બંધ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે આશરે ૧,૩૦૦ નોકરીઓ ગુમાવવાની થશે. જોકે, તેને સેવા અને સામાન આપતી કંપનીઓને પણ કામ ઘટવાથી વધુ સેંકડો નોકરીઓને અસર થશે. ફોર્ડ તેના મોટા ભાગના એન્જિનોનું ઉત્પાદન હવે મેક્સિકો પ્લાન્ટમાં કરશે, જ્યાં મજૂરી સસ્તી છે. ફોર્ડે જણાવ્યું છે કે આ પ્લાન્ટ બંધ થવાને બ્રેક્ઝિટ સાથે કોઈ સંબંધ નથી. પ્લાન્ટનો ઉપયોગ પૂરો થતો ન હતો.

ફોર્ડ યુકેમાં ઈસ્ટ લંડનના ડેગનહામમાં ડિઝલ એન્જિન પ્લાન્ટ અને લિવરપૂલની બહાર હેલવૂડમાં ટ્રાન્સમિશન્સ સહિત ત્રણ ફેક્ટરી ધરાવે છે. બ્રિજેન્ટ પ્લાન્ટમાં છેક ૧૯૮૦છી એન્જિનોનું ઉત્પાદન થાય છે. આ પ્લાન્ટ યુરોપની ફોર્ડ ફેક્ટરીઓ માટે પેટ્રોલ એન્જિન પૂરાં પાડે છે. આ વર્ષે જેગુઆર લેન્ડરોવર માટે એન્જિનના ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં તેના માટે જોખમ ઉભું થયું હતું. ફોર્ડે જાન્યુઆરીમાં જ તેના યુરોપ ઓપરેશન્સમાં પ્લાન્ટ્સ બંધ કરવા સાથે નોકરીઓમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. ગયા મહિને જ યુકેમાં ૫૫૦ સહિત સમગ્ર વિશ્વમાં ૭૦૦૦ નોકરી ઘટાડવાની યોજના હોવાનું પણ જણાવ્યું હતું.

હોન્ડા કંપની સ્વિન્ડોન ફેક્ટરીમાં ૧૯૮૯થી તેની લોકપ્રિય ‘સિવિક’ કારનું ઉત્પાદન કરે છે. આ મોડલની પ્રોડકશન લાઈફ સાઈકલ ૨૦૨૧માં પૂર્ણ થતાં જ પ્લાન્ટ બંધ કરી દેવાશે. આ પ્લાન્ટમાં વાર્ષિક ૧૫૦,૦૦૦ કારનું ઉત્પાદન થાય છે. હોન્ડા કંપનીએ જણાવ્યું હતું કે પ્લાન્ટ બંધ કરવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. બ્રિટનની નિકાસમાં કાર ઇન્ડસ્ટ્રી ૧૦૫ બિલિયન ડોલર ટર્નઓવર અને ૧૮૬,૦૦૦ કર્મચારી સાથે ૧૨ ટકા હિસ્સો ધરાવે છે. જાપાની કારનિર્માતા નિસાને લેટેસ્ટ એક્સ-ટ્રેલ એસયુવીનું પ્રોડકશન જાપાનમાં કરવાની જાહેરાત કરી છે. જાન્યુઆરીમાં ભારતની તાતા મોટર્સની માલિકીની બ્રિટનની સૌથી મોટી કારનિર્માતા કંપની જગુઆર લેન્ડ રોવરે ૪૫૦૦ નોકરીઓમાં કાપ મુકવાને સમર્થન આપ્યું હતું. ચીનમાં તેની નિકાસ ઘટતાં આ પગલું લેવાની ફરજ પડી છે. ટાયર નિર્માતા મિશેલિને ૨૦૨૦ સુધીમાં ડંડીસ્થિત ફેક્ટરી બંધ કરી દેવાની જાહેરાત કરી છે. કારના સ્પેરપાર્ટ્સ ઉત્પાદક જર્મન કંપની સ્કેફલર વેલ્સસ્થિત બે કારખાના બંધ કરવાની તૈયારીમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter