લંડનઃ નવી અને જૂની કાર ખરીદવાની લોન માટે ગ્રાહકો પાસેથી અન્યાયી કિંમત વસૂલવામાં આવી છે કે કેમ તે અંગે ફાઇનાન્સિયલ વોચડોગ દ્વારા તપાસ શરૂ કરાયા બાદ હવે લાખો વાહનચાલકોને વળતર ચૂકવાય તેવી સંભાવના છે. ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, 50 બિલિયિન પાઉન્ડ પ્રતિ વર્ષના મોટર ફાઇનાન્સ સેક્ટરમાં કથિત રીતે મોટાપાયે કરાયેલી ગેરરિતી માટે વળતરની યોજનાની જરૂર છે કે કેમ તેની સમીક્ષાનો નિર્ણય લેવાયો છે. કન્ઝ્યુમર ચેમ્પિયન માર્ટિન લૂઇસે જણાવ્યું હતું કે, આ પગલું મલ્ટી બિલિયન પાઉન્ડના પેમેન્ટ પ્રોટેક્શન ઇન્શ્યુરન્સ સ્કેન્ડલનો પર્દાફાશ કરે તેવી સંભાવના છે.
યુકેમાં લોઇડ્સ બેંકિંગ ગ્રુપ, સેનટેન્ડર અને બાર્કલેઝ મોટર ફાઇનાન્સ માર્કેટના મોટા ખેલાડી છે. જો આ સ્કેન્ડલ પૂરવાર થશે તો તેમને ગ્રાહકોને વળતર પેટે મોટી રકમ ચૂકવવાની ફરજ પડશે. હાલના વર્ષોમાં 90 ટકા સુધીની નવી અને જૂની કાર લોનથી ખરીદવામાં આવે છે. લોન એગ્રિમેન્ટમાં પર્સનલ કોન્ટ્રાક્ટ પરચેઝ પ્લાન અને હાયર પરચેઝનો સમાવેશ થાય છે. ઘણી કંપનીઓ ગ્રાહક કાર ખરીદવાનો નિર્ણય કરે તે પહેલાં જ તેને ડિપોઝિટ જમા કરાવવા અને વ્યાજ સાથે માસિક ફી ચૂકવવાની ફરજ પાડે છે.
એફસીએના જણાવ્યા અનુસાર તેમને ગ્રાહકો પાસેથી મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે. ગ્રાહકોનો આરોપ છે કે અમારી પાસેથી તગડો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.


