કારમી મોંઘવારીના કારણે 50થી 64ની વયજૂથના લોકો ફરી નોકરી કરવા મજબૂર બન્યાં

ગરીબીમાં ધકેલાઇ રહેલાં વૃદ્ધો નિવૃત્તિના નિર્ણય પર પુનઃવિચારણા કરી રહ્યાં છે

Tuesday 07th March 2023 13:08 EST
 

લંડન

કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ બ્રિટનમાં મોટી સંખ્યામાં લોકોને ગરીબીમાં ધકેલી રહી છે. તેના કારણે હવે 50 અને 60 વર્ષના વૃદ્ધો પણ વહેલી નિવૃત્તિના તેમના નિર્ણયો પર પુનઃવિચારણા કરી રહ્યાં છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિસ્કલ સ્ટડીઝના જણાવ્યા અનુસાર ફુગાવાનો દર છેલ્લા 4 દાયકાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો છે ત્યારે જીવનધોરણ પર વિપરિત અસર પડી રહી છે. તેના કારણે જ 50થી 64 વર્ષના લોકો હવે કામની શોધ કરી રહ્યાં છે. જોકે આ થિન્કટેન્કે જણાવ્યું હતું કે, 2022ના અંત ભાગથી વૃદ્ધોની આર્થિક પ્રવૃત્તિમાં જોવાયેલો વધારો નવા ટ્રેન્ડની શરૂઆત છે કે કેમ તે કહેવું અત્યારે વહેલું ગણાશે. થિન્કટેન્કે ચાન્સેલર જેરેમી હન્ટને 15મી માર્ચે રજૂ થનારા બજેટમાં 50 વર્ષથી વધુ વયના લોકોને લેબર માર્કેટમાં લાવવા માટેના પ્રોત્સાહનજનક પગલાં સામેલ કરવાની અપીલ કરી છે.

ટ્રેઝરી અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડનું સ્પષ્ટ માનવું છે કે દેશમાં કર્મચારીઓ અને કામદારોની અછત પાછળ વૃદ્ધ કર્મચારીઓની વહેલી નિવૃત્તિ મહત્વનું પરિબળ છે. સરકાર પેન્શનના નિયમોમાં બદલાવ કરીને વધુ વૃદ્ધ કામદારોને લેબર માર્કેટમાં લાવવાના પ્રયાસ કરી શકે.

આઇએફએસે જણાવ્યું હતું કે, કોરોના મહામારી પછી વધી રહેલી આર્થિક નિષ્ક્રિયતા પર હાલની સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકાર આગામી બજેટમાં વર્કફોર્સની ભાગીદારીને વેગ આપવાની નીતિઓ રજૂ કરી શકે છે. આર્થિક રીતે નિષ્ક્રિય લોકોમાં સૌથી વધુ 50થી 64ની વયના લોકો છે. જોકે 2022ના છેલ્લા 3 મહિનામાં આ વયજૂથના લોકોએ ફરીથી નોકરી અને કામધંધા કરવાનું શરૂ કર્યું છે જે દર્શાવે છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસની તેમના પર પણ અસર પડી રહી છે. તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે કોરોના મહામારીના પ્રારંભે નિવૃત્તિ લેવાનું પસંદ કરી લીધું હતું. મહામારી પહેલાં દેશમાં 1,97,000 વૃદ્ધો આર્થિક રીતે સક્રિય હતાં પરંતુ મહામારીના 3 વર્ષમાં તેમાંથી 57 ટકા લેબર માર્કેટમાંથી બહાર થઇ ગયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter