લંડનઃ હવામાન કચેરીએ ચેતવણી આપી છે કે યુકેમાં વાતાવરણ સતત ગરમ થઇ રહ્યું હોવાથી કાળઝાળ ગરમી અને અતિભારે વરસાદ ન્યૂ નોર્મલ બની રહ્યાં છે. તાજેતરમાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં માનવ સર્જિત ગ્લોબલ વોર્મિંગની યુકેના હવામાન, સમુદ્ર, જનતા અને વન્ય જીવન પર પડી રહેલી અસરો રજૂ કરાઇ છે. 2024માં વસંત ઋતુના પ્રારંભથી જ રેકોર્ડ ગરમી નોંધાઇ હતી અને 2025માં પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. હવામાન નિષ્ણાતો કહે છે કે યુકેનું હવામાન છેલ્લા કેટલાક દાયકા કરતાં તદ્દન બદલાઇ ગયું છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં વાતાવરણ 0.25 ડિગ્રી સેન્ટીગ્રેડના દરથી ગરમ થઇ રહ્યું છે. 1961થી 1990 કરતાં અત્યારે હવામાન 1.24 ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમ થઇ ચૂક્યું છે. પહેલીવાર યુકેની દરિયાની સપાટી વૈશ્વિક સરેરાશ કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે.
એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે આ તારણોને અત્યંત ગંભીર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, બ્રિટિશ જીવન પદ્ધતિ સામે ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. કાળઝાળ ગરમી, દુકાળ, પૂર આપણે નજર સામે જોઇ રહ્યાં છીએ અને તેની સામે પગલાં લેવાની જરૂર છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષ યુકેના ઇતિહાસના સૌથી ગરમ પાંચ વર્ષ પૈકીના એક હતા. ઓક્ટોબર 2023થી માર્ચ 2024 વચ્ચે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શિયાળામાં છેલ્લા 250 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઘણા વિસ્તારોને પૂરનો સામનો કરવો પડ્યો હતો.
સ્કોટલેન્ડમાં શનિવાર સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો
સ્કોટલેન્ડમાં ગયા શનિવારે સીઝનની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જૂન 2023 પછી શનિવારના રોજ 32.2 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું હતું.
ઇંગ્લેન્ડના જળાશયોની સપાટી દાયકાના સૌથી નીચલા સ્તરે
ઇંગ્લેન્ડના જળાશયોમાં પાણીની સપાટી દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચતા નિષ્ણાતોએ હોસપાઇપ પર પ્રતિબંધની માગ કરી છે. હાલમાં જળાશયોની સપાટી 2022માં દુકાળની સ્થિતિ કરતાં પણ નીચા સ્તરે પહોંચી છે. કાળઝાળ ગરમીને કારણે પાણીની માગમાં વધારો થતાં સપાટીમાં નાટકીય ઘટાડો જોવા મળ્યો છે. સમગ્ર દેશમાં હોસપાઇપ પર પ્રતિબંધની માગ કરતાં નિષ્ણાતોએ જણાવ્યું છે કે તેનાથી 3થી 7 ટકા પાણીની બચત કરી શકાશે.
ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી 50 વર્ષમાં ગરમીથી થતા મોતમાં 50 ગણો વધારો થશે
એક રિસર્ચ અનુસાર ક્લાઇમેટ ચેન્જના કારણે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી 50 વર્ષમાં ગરમીથી થતા મોતમાં 50 ગણો વધારો થશે. ગરમીનો સૌથી વધુ ભોગ વૃદ્ધો બની શકે છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ફક્ત વધતા તાપમાનના કારણે જ નહીં પરંતુ આપણે જે રીતે આપણા શહેરોનું નિર્માણ કરી રહ્યાં છે તે પણ વધતા મોત માટે જવાબદાર હશે.