કાળઝાળ મોંઘવારી, કિંમતોમાં આગઝરતી તેજી

ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચની સપાટી પર, પહેલીવાર ડબલ ડિજિટમાં 10.1 ટકા, રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ જુલાઇમાં 12.3 ટકા પર પહોંચ્યો

Wednesday 24th August 2022 05:29 EDT
 
 

લંડન

બ્રિટનમાં સામાન્ય જનતાનું જીવન દોહ્યલું બની રહ્યું છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ફુગાવાના દરની મર્યાદા બે ટકા નક્કી કરાઇ હોવા છતાં છેલ્લા 11 મહિનાથી સતત ફુગાવાના દરમાં વધારો થઇ રહ્યો છે અને 40 વર્ષમાં પહેલીવાર મોંઘવારીનો દર બે આંકડામાં પહોંચ્યો છે. જુલાઇ મહિનામાં ફુગાવા (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ)નો દર 10.1 ટકા પરપહોંચ્યો છે જે ફેબ્રુઆરી 1982 પછી સૌથી ઊંચો ફુગાવાનો દર છે. ફેબ્રુઆરી 1982માં સીપીઆઇ 10.4 ટકા પર પહોંચી ગયો હતો. જૂન મહિનામાં ફુગાવાનો દર 9.4 ટકા નોંધાયો હતો. જૂન અને જુલાઇમાં ફુગાવાના દરમાં 2.3 ટકાનો મોટો વધારો નોંધાયો હતો. ઓએનએસે જણાવ્યું છે કે ફૂડ, ફ્યુઅલ અને એનર્જીની વધી રહેલી કિંમતોના કારણે ફુગાવાનો દર બે ડિજિટમાં પહોંચી ગયો છે. ફુગાવાના કારણે ખાદ્યપદાર્થોની કિંમતોમાં અધધધ કહી શકાય તેવો 34 ટકાનો વધારો નોંધાયો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર જુલાઇ મહિનામાં રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ 12.3 ટકા પર પહોંચી ગયો હતો. જૂન મહિનામાં રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ 11.8 ટકા હતો. રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ પણ જાન્યુઆરી 1982 પછી ટોચની સપાટી પર પહોંચ્યો છે.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના આંકડા અનુસાર છેલ્લા 12 મહિનામાં લો ફેટ મિલ્કની કિંમતમાં 34 ટકા વધી ગયાં છે. હોલ મિલ્કમાં 28.1 ટકા, બટરમાં 27.1 ટકા અને ચીઝમાં 14.6 ટકાનો વધારો નોંધાયો છે. ઓલિવ ઓઇલ, જામ, હની અને એગ્સની કિંમતોમાં પણ 23થી 14 ટકા સુધી વધારો થયો છે. પોલ્ટ્રીની કિંમતોમાં 16.1 ટકા, ફિશમાં 13.4 ટકા અને ક્રિસ્પ્સની કિંમતમાં 13.4 ટકા વધી ગયાં છે. બેકરી પ્રોડક્ટ્સ, મીટ, વેજિટેબલ્સની કિંમતોમાં પણ જોરદાર ઉછાળો નોંધાયો છે.

સિટી બેન્કે ચેતવણી આપી છે કે 2023ના પ્રારંભે બ્રિટનમાં ફુગાવાનો દર છેલ્લા 50 વર્ષની ટોચે 18.6 ટકા પર પહોંચી શકે છે. જેના કારણે ફુગાવાને નિયંત્રણમાં લેવા બેન્ક ઓફ ઇંગ્લેન્ડને વ્યાજદરમાં વધારો કરી 7 ટકા કરવાની ફરજ પડી શકે છે. તાજેતરમાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં કરાયેલા વધારાને પગલે વ્યાજદર 1.75 ટકા પર પહોંચ્યો છે.

વ્યાજદરમાં વધુ 100 ટકાનો તોળાતો વધારો, મોર્ગેજ બેફામ બનશે

ઘણા નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે ફુગાવાનો દર ડબલ ડિજિટમાં પહોંચી જતાં બેન્ક ઓફ ઇંગ્લેન્ડ વ્યાજદરમાં વધારો કરી શકે છે. ફાઇનાન્સિયલ માર્કેટની ધારણા પ્રમાણે વ્યાજદરમાં 100 ટકાનો તોતિંગ વધારો થઇ શકે છે જેના પગલે વ્યાજદર બમણાથી વધુ 3.75 ટકા પર પહોંચી શકે છે. હજુ બે સપ્તાહ પહેલાં જ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના એક અંદાજ પ્રમાણે ચાલુ વર્ષમાં ફુગાવાનો દર 13 ટકાને આંબી શકે છે. ઇ–સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે જણાવ્યું છે કે દેશનું અર્થતંત્ર મંદીમાં સપડાવાનો પ્રારંભ થઇ ગયો છે.

રેલવે ભાડાં મુસાફરીને વધુ મોંઘી બનાવશે

ફુગાવાનો દર 40 વર્ષની ટોચની સપાટી પર પહોંચતાં રેલવે ભાડાંમાં પણ કમરતોડ વધારો થવાની સંભાવના છે. જુલાઇ મહિનાના રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્શની સરકારો આગામી વર્ષના ટ્રેન ભાડાં નક્કી કરવા માટે કરે છે, જેમાં કમ્યુટર રૂટ્સ પર સિઝન ટિકિટનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા નિયંત્રિત નથી હોતાં તેવા ભાડાં ટ્રેન ઓપરેટર કંપનીઓ દ્વારા નક્કી કરાય છે.

કામદારોના વેતનના મૂલ્યમાં 4.1 ટકાનો તોતિંગ ઘટાડો

એક તરફ મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે દેશના કરોડો કામદારોના વેતનના મૂલ્યમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જારી કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર જૂન મહિના સુધીના છેલ્લા 3 મહિનામાં બોનસ સિવાયના નિયમિત વેતનના મૂલ્યમાં 4.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઓએનએસના ઇકોનોમિક સ્ટેટિટિક્સ વિભાગના ડિરેક્ટર ડેરેન મોર્ગને જણાવ્યું હતું કે, વેતનનું વાસ્તવિક મૂલ્ય સતત ઘટી રહ્યું છે. 2001માં રેકોર્ડ રાખવાનું શરૂ કરાયું ત્યારથી બોનસ સિવાયના વેતનમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. રિઝોલ્યૂશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કે જણાવ્યું છે કે બ્રિટન અત્યારે છેલ્લા 45 વર્ષના સૌથી મોટા વેતન અવમૂલ્યનના સકંજામાં સપડાયો છે.

2020માં બ્રિટનની ઇકોનોમીમાં 11 ટકાનો છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો

કોરોના મહામારી દરમિયાન 2020માં બ્રિટનની ઇકોનોમીમાં 11 ટકાનો છેલ્લા 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો બોલાયો હતો. વિશ્વની આર્થિક મહાસત્તાઓમાં આ સૌથી મોટો કડાકો હતો. 2020માં બ્રિટનના જીડીપીમાં 11 ટકાનો ઘટાડો થયો હોવાની જાહેરાત ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા કરાઇ છે. છેલ્લે 1709માં બ્રિટનના જીડીપીમાં આટલો મોટો ઘટાડો થયો હતો. જી-7 દેશોમાં અર્થતંત્રનું સૌથી વધુ નુકસાન બ્રિટનને થયું છે. સ્પેનના જીડીપીમાં પણ 2020માં 10.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બલ્બ કંપની ધરાશાયી થતાં એનર્જી બિલમાં 150 પાઉન્ડનો વધારો થશે

એનર્જી સપ્લાયર કંપની બલ્બ ધરાશાયી થવાના કારણે વીજળીના બિલમાં 150 પાઉન્ડ કરતાં વધુનો વધારો થવાનું જોખમ સર્જાયું છે. 14 લાખ ગ્રાહક ધરાવતી બ્રિટનની એનર્જી સપ્લાયર કંપની બલ્બને ઉગારવા માટેની કિંમત 4 બિલિયન પાઉન્ડ સુધી પહોંચી છે. યુક્રેન યુદ્ધના કારણે ગેસની કિંમતોમાં થયેલા વધારાના કારણે આ મૂલ્ય પણ વધી ગયું છે. કંપની સતત ખોટી કરી રહી છે. ઓક્ટોબર સુધીના છ મહિનામાં તેની ખોટમાં 420 મિલિયન પાઉન્ડનો વધારો થશે. હાલ આ કંપનીનું સંચાલન સરકારના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેશન દ્વારા થઇ રહ્યું છે.

સરકાર ઊંઘી રહી છે - ઓફજેમના ડિરેક્ટરનું રાજીનામુ

બ્રિટનની એનર્જી રેગ્યુલેટર ઓફજેમના ડિરેક્ટરે સરકાર વધી રહેલા એનર્જી બિલો સામે પરિવારોને રક્ષણ આપવામાં નિષ્ફળ ગઇ હોવાના આરોપો સાથે રાજીનામુ ધરી દેતાં સરકાર પર ઊંઘી રહી હોવાના આરોપો મૂકાઇ રહ્યાં છે. ક્રિસ્ટીન ફાર્નિશનો આરોપ છે કે ઓફજેમ ગ્રાહકો અને સપ્લાયરોના હિતો વચ્ચે સાચું સંતુલન સાધવામાં નિષ્ફળ રહી છે. ક્રિસ્ટીને જણાવ્યું હતું કે, શિયાળામાં ગ્રાહકો પાસેથી એડિશનલ સપ્લાયર કોસ્ટ વસૂલવાના નિર્ણયના વિરોધમાં મેં રાજીનામુ આપ્યું છે.

 રોજિંદી જરૂરીયાતની વસ્તુઓમાં કાળઝાળ મોંઘવારી

95.7 ટકા – ગેસ

54 ટકા – વીજળી

43.7 ટકા – ઇંધણો

34 ટકા – લો ફેટ મિલ્ક

28.1 ટકા – હોલ મિલ્ક

27.1 ટકા – બટર

24.4 ટકા – પાસ્તા

23.6 ટકા – ઓલિવ ઓઇલ

21.2 ટકા - જામ અને મધ

16.1 ટકા – પોલ્ટ્રી

16 ટકા – રેડી મિલ્સ

15.7 ટકા – બટાકા

14.6 ટકા – ઇંડા

13.4 ટકા – ક્રિસપ્સ

13.4 ટકા - ફિશ

13.2 ટકા – પોર્ક

12 ટકા – કોફી

11 ટકા – બ્રેડ

6.7 ટકા – ચોખા

5.6 ટકા – સિરિયલ્સ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter