લંડન
બ્રિટનમાં કાળઝાળ મોંઘવારીના પગલે વૃદ્ધોને પણ કામ કરવાની ફરજ પડી રહી છે. એક અભ્યાસ અનુસાર કોરોના મહામારી બાદ 50 વર્ષથી વધુના કામ કરનારા લોકોની સંખ્યા ટોચની સપાટી પર પહોંચી છે. વૃદ્ધોને કામ કરવાની સલાહ આપતી રેસ્ટ લેસ નામની સંસ્થાના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દાયકાઓના લાંબા સમય પછી 50થી વધુની વયના લોકો કામ કરતા હોય તેવો ટ્રેન્ડ પાછો આવી રહ્યો છે. કોરોના મહામારીએ વૃદ્ધોને કામ કરવા માટે મજબૂર કરી દીધા છે. ગયા વર્ષે 1,16,000થી વધુ 50 વર્ષથી વધુ વયના લોકો કામધંધામાં જોડાયા હતા. તેમાં અડધાથી વધુની ઊંમર 65 વર્ષ કરતાં વધુ હતી. સ્ટુઅર્ટ લેવિસ કહે છે કે છેલ્લા બે વર્ષથી ઘણા વૃદ્ધ કામદારો પોતાના કામ પર પરત ફરી રહ્યાં છે. કોરોના મહામારી દરમિયાન તેમણે મનોમંથન કર્યું હશે કે તેઓ પોતાના જીવનો પાસેથી શું ઇચ્છે છે. તે ઉપરાંત કોરોનાના કારણે અર્થતંત્રની ગતિ મંદ પડતાં અને મોંઘવારીમાં બેફામ વધારો થતાં તેમને ફરી એકવાર કામધંધામાં જોડાવાની ફરજ પડી છે.
તે ઉપરાંત ઘણા લોકોને કોરોના મહામારીમાં નોકરીઓ પણ ગુમાવવી પડી હતી. 60 વર્ષીય એક વૃદ્ધ કહે છે કે કોરોના મહામારીમાં કેર હોમ બંધ થતાં મારે નોકરી ગુમાવવી પડી હતી. કેર હોમમાં હું કામ અને લોકોની સાથેના સંપર્કમાં સારી રીતે મારો સમય પસાર કરી રહ્યો હતો. બે વર્ષ પછી પણ હું મારી નોકરીને યાદ કરી રહ્યો છું. હું ફરી નોકરી શોધી રહ્યો છું. તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ ત્યારે નિવૃત્તિ એક સ્વપ્ન જેવી લાગે છે. ઘણા લોકોને સંસ્થાઓ બંધ થવાના કારણે પણ ફરજિયાત નિવૃત્તિ સ્વીકારવી પડી હતી. આ સાથે તેઓ સામાજિક સંબંધો પણ ગુમાવી બેઠાં હતાં. કામના સ્થળે થતા સંપર્કોને અમે ગુમાવી દઇએ છીએ.
તે ઉપરાંત મોંઘવારી અને અસ્થિર નાણાકિય બજારોના કારણે પેન્શન ફંડ પર પણ અસરો થઇ છે. કોરોના મહામારી દરમિયાન કેટલાક લોકો વિચારતા હતા કે તેઓ સરળતાથી નિવૃત્ત થઇ શકશે પરંતુ હવે તેમને નોકરીઓની જરૂર છે. તેમના પેન્શન પુરતા ન હોવાના કારણે તેઓ વધારાની આવક મેળવવા નોકરીઓ શોધી રહ્યાં છે.

