કાળઝાળ મોંઘવારીમાં બચતો વિના ટળવળતાં 13 લાખ બ્રિટિશ પરિવાર

બિનજરૂરી ખર્ચ પહોંચી વળવા મુશ્કેલ, લોન લેનારાની સંખ્યા બમણી થઇ

Wednesday 20th July 2022 06:53 EDT
 

લંડન

બ્રિટનની એક થિન્ક ટેન્કના જણાવ્યા અનુસાર દેશમાં ફુગાવાનો દર ઐતિહાસિક સ્તરે પહોંચ્યો અને મોંઘવારીએ માઝા મૂકી તે પહેલાં બ્રિટનના 13 લાખ પરિવારો પાસે કોઇપણ પ્રકારની બચતો ઉપલબ્ધ નહોતી. કોઇપણ પ્રકારની બચતો ન હોવાના કારણે પોતાના વધેલા ખર્ચને પહોંચી વળવા માટે પરિવારોએ મિત્રો અને સગાઓ પાસેથી નાણા ઉધાર મેળવવા પડ્યા છે. રિઝોલ્યુશન ફાઉન્ડેશનના એક અહેવાલ અનુસાર બચતોના અભાવ અને ઊંચા દેવાઓના કારણે પરિવારો પર ઘણી વિપરિત અસરો પડી છે.

કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન બ્રિટનના અડધા પરિવારો પાસે એક મહિનાની આવક કરતાં પણ ઓછી બચતો હતી. જ્યારે 4 ટકા એટલે કે 13 લાખ પરિવારો પાસે બચતના નામે શૂન્ય હતું. બ્રિટિશ સમાજમાં બચતોનું પ્રમાણ સામાન્ય રીતે ઘણું ઓછું હોય છે. બચતો ન ધરાવતાં અમીર પરિવારોની સરખામણીમાં ગરીબ પરિવારોની સંખ્યા ચાર ગણી છે. બચતોના મામલામાં આ વિરોધાભાસ કોરોના મહામારી દરમિયાન ઘણો વધી ગયો હતો. લોકડાઉનમાં અમીર પરિવારોએ ગરીબ પરિવારો કરતાં ચાર ગણી બચતો કરી હતી. અત્યારે જ્યારે ઇંધણ અને વીજળીના બિલો તોતિંગ બન્યાં છે ત્યારે ગરીબ પરિવારો મોંઘવારી સામે કેવી રીતે લડી શકે તે મહત્વનું બન્યું છે.

દેશના 28 ટકા કરતાં વધુ પરિવારો પાસે કોઇ બચતો ન હોવાના કારણે તેઓ માટે બિનજરૂરી ખર્ચને પહોંચી વળવાનું અસંભવ બન્યુ છે. 32 ટકા પરિવારો કહે છે કે અસાધારણ ખર્ચાઓને પહોંચી વળવા અમારે સગા અથવા તો મિત્રો પાસેથી નાણા ઉછીના લેવા પડે છે. ફક્ત 3 ટકા પરિવારો પાસે પુરતા પ્રમાણમાં બચતો છે. પોતાના ખર્ચાને પહોંચી વળવા માટે પરિવારો અન્યો પાસેથી ઉધાર નાણા લે છે પરંતુ અત્યારના સમયમાં ઉધાર નાણા મેળવવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. લોન લેનારા પરિવારોની સંખ્યા પણ બમણી થઇ છે. ઓછી આવક ધરાવતા પરિવારો માટે દેવા મોટો પડકાર બની રહ્યાં છે. તેમને કુલ માસિક આવકમાંથી 12 ટકા રકમ તો બિલોની ચૂકવણીમાં જ ફાળવવી પડે છે. સરકારે હવે ગરીબ પરિવારોને મદદ કરવા 650 પાઉન્ડનું પેકેજ જાહેરકર્યું છે. 80 લાખ પરિવારોને બે હપ્તામાં આ સહાય ચૂકવવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter