કાળા નાણાંની હેરાફેરી માટે પોસ્ટ ઓફિસ બેન્કિંગ સિસ્ટમનો ધડલ્લે ઉપયોગ

પોસ્ટ ઓફિસમાં કોઇપણ ચકાસણી વિના નાણાં જમા કરાવી શકાતા હોવાથી દુરુપયોગ

Tuesday 25th August 2026 10:47 EDT
 

લંડનઃ દર વર્ષે સેંકડો મિલિયન પાઉન્ડનું કાળું નાણું પોસ્ટ ઓફિસોમાં જમા કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ સમસ્યાની ગંભીરતા હોવા છતાં પોલીસ તેની તપાસ કરવામાં શા માટે હિચકિચાટ અનુભવી રહી છે?

બ્રિટનભરમાં બેંક શાખાઓ બંધ થતાં, પોસ્ટ ઓફિસો નાણાકીય લેવડ-દેવડ માટેનું મુખ્ય કેન્દ્ર બની ગઈ છે. વર્ષ 2017થી પોસ્ટ ઓફિસોએ બેંકો વતી રોકડ રકમ સ્વીકારવાનું શરૂ કર્યું હતું, જે આંકડો હવે વાર્ષિક 30 બિલિયન પાઉન્ડને પાર કરી ગયો છે. પરંતુ આ સરળ સિસ્ટમમાં સુરક્ષાત્મક તપાસનો અભાવ હોવાથી ગુનેગારો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.

બેંક ખાતાધારકની ઓળખ કે સીસીટીવી તપાસ વિના કોઈપણ વ્યક્તિ અન્યના ડેબિટ કાર્ડ અને પિન નંબરનો ઉપયોગ કરીને પોસ્ટ ઓફિસ કાઉન્ટર પર રોકડ જમા કરાવી શકે છે. જેનો અપરાધીઓ ધડલ્લે ફાયદો લઇ રહ્યા છે. ભૂતકાળમાં પોસ્ટ ઓફિસના હોરાઇઝન સોફ્ટવેર વિવાદ અને ગેરવાજબી કેસોને કારણે, પોલીસ અને પ્રોસિક્યુટર્સ આ કોમ્પ્યુટર સિસ્ટમના ડેટા પર આધારિત નવા મની લોન્ડરિંગ કેસો દાખલ કરતા અચકાઈ રહ્યા છે. તે ઉપરાંત બેંકિંગ સેવાઓમાંથી મળતી આવક પોસ્ટ ઓફિસ લિમિટેડ અને સબ-પોસ્ટમાસ્ટરો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે, જેથી આ પ્રક્રિયા પર સખત મર્યાદાઓ મૂકવાનો વિરોધ થઈ રહ્યો છે.

કાયદા અમલીકરણ એજન્સીઓના અંદાજ મુજબ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાંથી કમાયેલા કરોડો પાઉન્ડ દર વર્ષે પોસ્ટ ઓફિસ સિસ્ટમ મારફતે બેંકિંગ નેટવર્કમાં ધકેલાઈ રહ્યા છે, જે યુકેની એન્ટી-મની લોન્ડરિંગ વ્યવસ્થા સામે મોટો પડકાર ઉભો કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter