લંડનઃ વિવિધ સરકારી વિભાગોમાં 3 ફૂલટાઇમ જોબ એક સાથે કરવાના આરોપી 54 વર્ષીય કાશીમ ચૌધુરીએ તેમના પર મૂકાયેલા ફ્રોડના 9 આરોપ નકારી કાઢ્યા છે. ચૌધુરી પર ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર અને ટાવર હેમલેટ્સ કાઉન્સિલમાં એકસાથે ફુલટાઇમ જોબ કરવાના આરોપ મૂકાયા છે. તેમના પર વર્ષ 2020થી 2023 વચ્ચે 6 સરકારી સંસ્થામાં નોકરી અંગે જુઠ્ઠું બોલવાના પણ આરોપ છે. ચૌધુરી પર હોમ ઓફિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડમાં પણ નોકરી કરવાનો આરોપ છે.
ઇસ્ટ લંડનના વ્હાઇટચેપલ વિસ્તારમાં રહેતા ચૌધુરી પર યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી, ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી અને વેન ગ્રુપ સાથે ફ્રોડ કરવાનો પણ આરોપ છે.
સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ચૌધુરીએ ટાવર હેમલેટ્સ ખાતે નોકરી બંધ કરાવી હોવાનું જુઠ્ઠાણું ચલાવીને ફ્રોડ આચર્યું હતું. તેમણે વેન ગ્રુપ ખાતેની નોકરી સંતાડીને કાઉન્સિલને ઉલ્લુ બનાવી હતી. જોકે સુનાવણીમાં ચૌધુરીએ તેમના પર મૂકાયેલા તમામ આરોપ નકારી કાઢ્યાં છે. આ કેસમાં તેમને 10 વર્ષની જેલની સજા થઇ શકે છે.