કાશ્મીર નીતિના વિરોધી સાંસદ ડેબી અબ્રાહમ્સને ભારતે પાછાં કાઢ્યાં

Wednesday 19th February 2020 04:23 EST
 
 

દિલ્હી, લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાશ્મીર નીતિનો વિરોધ કરનારા બ્રિટિશ વિપક્ષી લેબર સાંસદ ડેબી અબ્રાહમ્સે તેમને સોમવાર, ૧૭ ફેબ્રુઆરીએ ભારતમાં અયોગ્ય રીતે પ્રવેશવા ન દેવાયાનો આક્ષેપ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજજાને રદ કરવાના નિર્ણયની ટીકા કરનારા બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને ભારતમાં પ્રવેશ અપાયો ન હતો. કાયદેસરના વિઝા ન હોવાથી તેમને એરપોર્ટ પરથી બહાર ન જવા દેવાતાં દિલ્હી એરપોર્ટથી દુબઇ મોકલી દેવાયાં હતાં.

દરમિયાન, ભારત સરકારે બ્રિટિશ સાંસદના આરોપોને ફગાવી દેતા જણાવ્યું છે કે સાંસદ ડેબી અબ્રાહમ્સ પાસે કાયદેસરના વિઝા ન હોવાથી તેમને પ્રવેશ અપાયો ન હતો. તેમના ઇ-વિઝા રદ કરી દેવાયા હોવાની અગાઉથી જ તેમને જાણ કરી દેવાઈ હતી.

ભારતની કાશ્મીર નીતિના વિરોધી તથા ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર કાશ્મીરના અધ્યક્ષ અને લેબર પાર્ટીના સાંસદ ડેબી અબ્રાહમ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેઓ જ્યારે સોમવાર સવારે દિલ્હી પહોંચ્યા તો તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના ઇ-વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ વિઝા ઓક્ટોબર, ૨૦૨૦ સુધી માન્ય હતાં અને તેઓ તેમના ભારતીય રિલેટિવ્ઝને મળવાં આવ્યાં હતાં. તેમની સાથે તેમના સ્ટાફના ભારતીય સભ્ય પણ હતા. અબ્રાહમ્સે તેમને વિઝા ઓન અરાઈવલ મળશે કે કેમ તેની પૂછપરછ પણ કરી હતી જેનો કોઈ જવાબ અપાયો ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ભારતીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે બ્રિટિશ સાંસદને તેમના વિઝા રદ કરી દેવાયાની યોગ્ય રીતે જાણ કરાઈ હતી. તેમને આ વાતની જાણ હોવા છતાં તે દિલ્હી આવ્યાં હતાં. આ અંગે અબ્રાહમે જણાવ્યું હતું કે તેમને ૧૩ ફેબ્રુઆરી પહેલા કોઇ ઇમેલ મળ્યો ન હતો અને ત્યાર બાદથી તેઓ પ્રવાસ પર અને તેમના કાર્યાલયથી દૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter