લંડનઃભારતના પાડોશી દેશ પર આકરા પ્રહાર કરતા સાંસદ બોબ બ્લેકમેને પાકિસ્તાનને નિષ્ફળ દેશ ગણાવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે પાકિસ્તાનમાં લોકશાહી છે કે સેનાના જનરલો શાસન કરી રહ્યાં છે.
ભારતીય પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત બાદ બ્લેકમેને જણાવ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઇમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતની સાથે રહેવું જોઇએ. તેમણે જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા અને ભારતની ધરતી પર આતંકવાદને પ્રોત્સાહન માટે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.
બ્લેકમેને જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનું બ્રિડિંગ ગ્રાઉન્ડ બની ગયો છે જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે જોખમરૂપ છે. તેમણે જમ્મુ-કાશ્મીરની એકતા માટે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. પાકિસ્તાનમાં લોકશાહી જેવું કશું નથી. પાકિસ્તાની સેનાના અત્યાચારોનો પાકિસ્તાનના વિવિધ પ્રદેશના લોકો સામનો કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં શાસન કોણ ચલાવી રહ્યું છે. લોકતાંત્રિક સરકાર કે સેનાના જનરલો.
બ્લેકમેને જણાવ્યું હતું કે, કાશ્મીર પરના પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાનો અંત આવવો જ જોઇએ. પાકિસ્તાની સેનાએ પીઓકે છોડી દેવું જોઇએ અને 1947ના આધારે જમ્મુ-કાશ્મીરની રચના થવી જોઇએ.