કાશ્મીર મુદ્દે દખલગીરી ન કરવા લેબરનેતા સ્ટાર્મરની જાહેરાત

Sunday 03rd May 2020 01:01 EDT
 
 

 લંડનઃ યુકેમાં લેબર પાર્ટીએ કાશ્મીર મુદ્દે પોતાની નીતિમાં નોંધપાત્ર બદલાવ કર્યો છે પાર્ટીના નવા ચૂંટાયેલા ૫૭ વર્ષીય નેતા સર કેર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાશ્મીર અથવા ભારતની કોઈ પણ સંવૈધાનિક બાબતોમાં હસ્તક્ષેપ નહિ કરે. તેમણે જણાવ્યું હતું કે ભારતની કોઈ પણ બંધારણીય બાબત ભારતીય પાર્લામેન્ટ હસ્તક અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી બાબતમાં આવે છે. તેમણે કહ્યું હતું કે તેમના નેતૃત્વમાં પાર્ટી માનવાધિકારીઓની વાત કરશે તેમજ હિન્દુફોબિયા સહિત તમામ પ્રકારના ભેદભાવની વિરુદ્ધ હશે.

સ્ટાર્મરે કહ્યું હતું કે તેમની નેતાગીરી હેઠળ ઉપખંડના કાશ્મીર વિવાદનો ઉપયોગ બ્રિટનમાં લોકોને વિભાજિત કરવામાં ન આવે તેની તેઓ ચોકસાઈ રાખશે તેમજ તેમના નેતૃત્વમાં લેબર પાર્ટીની સરકાર અગાઉની લેબર સરકારોની માફક ભારત સાથે મજબૂત સંબંધો બનાવશે. તેમણે કહ્યું હતું કે લેબર પાર્ટીના ભારત સાથે દીર્ઘ અને સારા સંબંદ રહ્યા છે અને તે યથાવત રહે તેમ તેઓ ઈચ્છે છે.

સ્ટાર્મરે ચાર એપ્રિલે જ કટ્ટર ડાબેરી વિચારધારાના જેરેમી કોર્બીનનું સ્થાન સંભાળ્યું છે. કોર્બીનની નેતાગીરી હેઠળ લેબર પાર્ટીના વલણને જોઈ બ્રિટનસ્થિત ભારતીય સમુદાય તેને પાકિસ્તાનતરફી પાર્ટી માનવા લાગ્યો હતો. ગત વર્ષે કેટલાક લેબર સાંસદો પણ લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર હિંસક વિરોધ પ્રદર્શનોમાં સામેલ થયા હતા. આ ઉપરાંત, લેબર પાર્ટીના અધિવેશનમાં જમ્મુ-કાશ્મીરના લોકોને આત્મનિર્ણયનો અધિકાર આપવાની માગણી સાથેનો ઠરાવ સર્વસંમતિએ પસાર કરાયો હતો જેમાં, કાશ્મીરમાં માનવ અધિકારોના ઉલ્લંઘન અને માનવીય સંકટનો ઉલ્લેખ પણ કરાયો હતો.

કાશ્મીર મુદ્દે લેબર પાર્ટીના આવા વલણથી મુખ્યત્વે ભારતીય મૂળના હિન્દુ સમાજમાં ભારે નારાજગી હતી. હવે તે દૂર કરવા તેમજ લેબર પાર્ટી અને હિન્દુ સમુદાય વચ્ચેના સંબંધોને મૂળ સ્વરિપમાં લાવવાના પ્રયાસમાં સ્ટાર્મરે હિન્દુ ફોરમ બ્રિટનની અધ્યક્ષા તૃપ્તિ પટેલને પત્ર પણ લખ્યો હતો. સર સ્ટાર્મરે હિન્દુ સમુદાયના મહત્ત્વનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે,‘ હું આપણા સમાજમાં હિન્દુઓના અમૂલ્ય યોગદાન વિશે જાણું છું. અર્થ વ્યવસ્થાથી માંડી કળા અને સંસ્કૃતિ તેમજ વિશેષતઃ NHSમાં તેમનું ખાસ યોગદાન છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter