લંડનઃ ભારતીય મૂળના પૂર્વ લેબર બ્રિટિશ સાંસદ લોર્ડ મેઘનાદ દેસાઇએ લાંબાગાળાથી પડતર કાશ્મીર વિવાદનો હંમેશ માટે ઉકેલ લાવવા ભારત સરકારને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર પર નિયંત્રણ મેળવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના આતંકવાદી હુમલા ફરી ન થાય તે માટે ભારતે જડબાતોડ જવાબ આપવો જ રહ્યો.
લોર્ડ દેસાઇએ જણાવ્યું હતું કે, કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટેનો એક જ ઉપાય છે. ભારતે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરને છીનવી લેવું જોઇએ. અમારી પાસે કિંગનો રાજ્યારોહણ પત્ર છે તેથી તે અમારું છે.
લોર્ડ દેસાઇએ જણાવ્યું હતું કે, ભારતે આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવો જોઇએ અને જો આ પ્રકારના હુમલા જારી રહેશે તો ભારત પીઓકે પર કબજો કરી લેશે તેવો સ્પષ્ટ સંદેશ પાઠવવો જોઇએ. પહલગામનો હુમલો અત્યંત આઘાતજનક છે. કાશ્મીર વિવાદમાં હવે હદ આવી ગઇ છે. મને આશા છે કે ભારત સરકાર પાકિસ્તાનને સજ્જડ જવાબ આપશે. કાશ્મીર વિવાદનો કાયમી ઉકેલ લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોમાં મને સંપુર્ણ વિશ્વાસ છે.