લંડનઃ બ્રિટનમાં મુસ્લિમ દેખાવકારો દ્વારા બોલિવૂડની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીના સ્ક્રિનિંગમાં અવરોધો ઊભા કરાયા હતા. તેમનો આરોપ છે કે આ ફિલ્મ ધાર્મિક ભાઇચારાનો નાશ કરી રહી છે. કાશ્મીરની આઝાદી માટે લડત ચલાવતા એક્ટિવિસ્ટ શકીલ અફસરની આગેવાનીમાં બર્મિંગહામમાં સિનેવર્લ્ડ સિનેમા ખાતે શુક્રવારે ધ કેરાલા સ્ટોરી ફિલ્મના સ્ક્રિનિંગમાં ખલેલ પહોંચાડવામાં આવી હતી. અફસરે આરોપ મૂક્યો હતો કે આ ફિલ્મ ભારતની સત્તાધારી પાર્ટી ભાજપ અને આરએસએસનો પ્રોપેગેન્ડા છે. આ ફિલ્મ જુઠ્ઠાણા ફેલાવી રહી છે. આ ફિલ્મ અમને વિભાજિત કરવા બનાવવામાં આવી છે. અમે ઘણા વર્ષોથી એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ. અમે આ ફિલ્મનું પ્રદર્શન થવા દઇશું નહીં.
દેખાવકારોના હંગામાના પગલે ફિલ્મનું સ્ક્રિનિંગ થોડા સમય માટે અટકાવી દેવાયું હતું. શકીલ અફસર અને તેના સાથીદારોએ ફિલ્મને ઇસ્લામ પ્રત્યે ધિક્કાર ફેલાવનારી ગણાવીને સિનેમાના મેનેજર પર દબાણ કર્યું હતું. જેના કારણે ફિલ્મ જોવા આવેલા દર્શકો અને દેખાવકારો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ હતી. અશરફ અને તેના સાથી દેખાવકારોને થિયેટરમાંથી હટાવ્યા પછી ફિલ્મ ફરી શરૂ કરાઇ હતી.
દેખાવકારોનો આરોપ છે કે આ ફિલ્મમાં ભારતના કેરળ રાજ્યમાં આઇએસઆઇએસ દ્વારા રિક્રુટ કરાયેલી કેટલીક હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓના કથાનક દ્વારા પ્રોપેગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.
ફિલ્મ ક્રિટિક્સનું કહેવું છે કે આ ફિલ્મમાં દાવો કરાયો છે કે આઇએસઆઇએસમાં રિક્રુટ કરાયા બાદ કેરળમાંથી 32000 મહિલાઓ ગાયબ થઇ ગઇ હતી. પરંતુ ઇન્ડિયન ફેક્ટ ચેકિંગ સાઇટ ઓલ્ટ ન્યૂઝના જણાવ્યા અનુસાર આ દાવાના સમર્થનમાં કોઇ પુરાવા નથી.


