કાશ્મીરી પત્રકાર યાના મીરનો બ્રિટિશ સંસદમાં હુંકાર, હું મલાલા નથી

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, હું કાશ્મીરમાં સુરક્ષિત છુઃ યાના મીર

Tuesday 27th February 2024 10:48 EST
 
 

લંડનઃ કાશ્મીરના મહિલા પત્રકાર અને કાર્યકર્તા યાના મીરે પાકિસ્તાન પર દુષ્પ્રચાર દ્વારા ભારતની છબી ખરડવાનો આરોપ લગાવ્યો છે. મીરે કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હું અહીં સંપૂર્ણ રીતે સુરક્ષિતતા અનુભવું છું. લંડનમાં બ્રિટિશ સંસદ દ્વારા આયોજિત સંકલ્પ દિવસ નામના કાર્યક્રમમાં મીરે કહ્યું- હું મલાલા યુસુફઝાઈ નથી, જેને આતંકવાદી ધમકીઓને કારણે પોતાનો દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. હું મારા દેશ ભારતમાં સુરક્ષિત છું. હું ક્યારેય પાકિસ્તાનમાં આશરો નહીં લઉં.

મીરે જણાવ્યું હતું કે, મલાલા મારા દેશ ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છે, જેની સામે મને વાંધો છે. મને દરેક ટૂલકીટ સભ્ય સાથે સમસ્યા છે જે પોતે ક્યારેય કાશ્મીર ગયા નથી. પરંતુ તેમ છતાં, તેઓ સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરમાં અત્યાચાર સાથે જોડાયેલી ખોટી વાર્તાઓ વણી રહ્યા છે. હું તમને અપીલ કરું છું કે ધર્મના આધારે ભારતીયોનું ધ્રુવીકરણ બંધ કરો. આનાથી અમને તોડી નહીં શકાય. મને આશા છે કે બ્રિટન અને પાકિસ્તાનમાં રહેતા લોકો આંતરરાષ્ટ્રીય મીડિયા અથવા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર મંચોમાં મારા દેશને બદનામ કરવાનું બંધ કરશે. આતંકવાદને કારણે હજારો કાશ્મીરી માતાઓએ પોતાના પુત્રો ગુમાવ્યા છે. હવે કાશ્મીરી સમુદાયને શાંતિથી રહેવા દેવો જોઈએ.

મીરને જમ્મુ અને કાશ્મીરમાં વિવિધતાને પ્રોત્સાહન આપવા બદલ ડાયવર્સિટી એમ્બેસેડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં થયેલા વિકાસ વિશે માહિતી આપી હતી. આ દરમિયાન મીરે સારી સુરક્ષા વ્યવસ્થા, સરકારી યોજનાઓ અને ભંડોળનો ઉલ્લેખ કર્યો હતો. બ્રિટન સ્થિત જમ્મુ અને કાશ્મીર સ્ટડી સેન્ટર નામની થિંક ટેન્ક દ્વારા આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter