કાશ્મીરી હિન્દુ જેનોસાઈડનો અસ્વીકાર પણ ઘૃણાસ્પદઃ વિવેક રંજન અગ્નિહોત્રી

Tuesday 14th June 2022 15:37 EDT
 
 

લંડનઃ ધ કાશ્મીર ફાઈલ્સના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રી અને તેમના અભિનેત્રી-નિર્માત્રી પત્ની પલ્લવી જોશીને 8 જૂન બુધવારે યુકે પાર્લામેન્ટમાં બોલવાનું દુર્લભ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓને ‘ઈન્ડિયા, વર્લ્ડ પીસ અને હ્યુમેનિઝમ’ વિષયના કાર્યક્રમમાં આમંત્રિત કરાયા હતા.

અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય અને લઘુમતીઓના માનવ અધિકારોના મહત્ત્વને દર્શાવતા આ ઈવેન્ટમાં હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સના પાર્લામેન્ટના સભ્યો, સમગ્ર યુકેમાંથી ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરોએ હાજરી આપી હતી. લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ રેમી રેન્જર, લોર્ડ નવનીત ધોળકિયા, લોર્ડ જિતેશ ગઢિયા, સાંસદ જોનાથન લોર્ડ, સાંસદ વિરેન્દ્ર શર્મા, સાંસદ જેન સ્ટીવન્સન, સાંસદ હેન્રી સ્મિથ, સાંસદ નવેન્દુ મિશ્રા, સાંસદ થેરેસા વિલિયર્સ અને સામ ટેરીએ વિવેક અને પલ્લવી સાથે આઝાદી, સ્વાતંત્ર્ય, અને માનવ અધિકારો તરફ સન્માન-આદર દર્શાવવા થકી માનવતાના મુદ્દાઓ પર નિખાલસ વાતચીત કરી હતી. આ ઈવેન્ટની યજમાની પૂર્વ મિનિસ્ટર બેરોનેસ સંદીપ વર્મા, અને પાર્લામેન્ટના સભ્ય ગગન મોહિન્દ્રાએ કરી હતી. લવોર્ડ રેમી રેન્જરે હાઉસ ઓફ લોર્ડ્સમાં ભોજન કાર્યક્રમની યજમાની સંભાળી હતી.

વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરમાં હિન્દુ નરસંહાર-જેનોસાઈડ અને દમન-જુલમનો ભોગ બનેલા લોકોની આપવીતીનું વર્ણન કરતી ટુંકી ડોક્યુમેન્ટરી મારફત કાશ્મીરમાં હિન્દુઓ પર આચરાયેલા અત્યાચારોને હાઈલાઈટ કર્યા હતા. તેમણે વાણી સ્વાતંત્ર્ય અધિકાર વિશે અને યુકેમાં ચોક્કસ સ્થાપિત હિતો અને ભારતવિરોધી લોબીઓ આ પાયારુપ સ્વતંત્રતાને ગુંગળાવી રહ્યા છે તેમજ કાશ્મીરમાં હિન્દુઓનો નરસંહાર થયો હોવાનો ઈનકારી રહ્યા છે તેના વિશે વાતો કરી હતી. જેનોસાઈડનો અસ્વીકાર પણ જેનોસાઈડ જેટલો જ ઘૃણાસ્પદ છે. આજે પણ કાશ્મીર ખીણમાં ઈસ્લામિસ્ટ આતંકવાદીઓના હાથે હિન્દુઓની કત્લેઆમ ચાલી જ રહી છે.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે,‘કાલની રાત ઐતિહાસિક હતી કારણકે સૌપ્રથમ વખત વિચારધારાની દૃષ્ટિએ ભિન્નતા ધરાવતા સાંસદો, લોર્ડ્સ, બેરોનેસીસ, મેયરો અને કાઉન્સિલરો કાશ્મીરી હિન્દુઓના સપોર્ટમાં ઉભા રહ્યા અને જેનોસાઈડ મુદ્દાને યુકેની પાર્લામેન્ટમાં આગળ લઈ જવાની બાંયધરી ઉચ્ચારી હતી. આવું સન્માન મેળવનારા સૌપ્રથમ ફિલ્મમેકર્સ હોવાનો ભારે ગર્વ છે. અમારી કળા થકી કાશ્મીરી હિન્દુ નરસંહારને વિશ્વ જાણે અને સ્વીકારે તે અમારું મિશન છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter