લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાએ બુધવારે બકિંગહામ પેલેસ ખાતે સ્થાનિક સમાચારો પ્રતિ સપોર્ટ દર્શાવવા યુકેની વિવિધ સમાચાર સંસ્થાઓના પત્રકારો સહિત 400 લોકો માટે સમારંભ યોજ્યો હતો. પીઢ સ્થાનિક સમાચાર સંવાદદાતાઓએ પ્રાદેશિક જર્નાલિઝમના અસ્તિત્વ અને મહત્ત્વ સંબંધે કિંગ સમક્ષ રજૂઆત કરવા રોયલ રિસેપ્શન સમારંભનો ઉપયોગ કર્યો હતો. પ્રેસ ગેઝેટના સંશોધન અનુસાર 2005થી 2024ના ગાળામાં આશરે 293 સ્થાનિક ન્યૂઝ પેપર્સ બંધ થઈ ગયાં છે.
કલ્ચર સેક્રેટરી લિસા નાન્દી અને યુકેમાં સૌથી વયોવૃદ્ધ કાર્યરત જર્નાલિસ્ટ મનાતા 89 વર્ષીય ટોની જેમ્સ સહિત અગ્રણી મીડિયા પ્રોફેશનલ્સના મેળાવડાએ કિંગનું સ્વાગત કર્યું હતું. વેસ્ટ સમરસેટ ફ્રી પ્રેસ માટે લખતા ટોની જેમ્સે કિંગને જણાવ્યું હતું કે ઓનલાઈન વિશ્વમાં સુસંગત અને નફાકારક બની રહેવાનો સંઘર્ષ કરવા છતાં, સ્થાનિક જર્નાલિઝમ ભારે મૂલ્યવાન છે. પ્રિન્ટ જર્નાલિઝમ ધીરે ધીરે ડિજિટલના હાથે દૂર ધકેલાઈ રહ્યું છે જે ભારે શરમજનક છે. BBCસાથે લગભગ 40 વર્ષ જેટલો સૌથી લાંબો સમય કામ કરનારા મહિલા પ્રેઝન્ટર 69 વર્ષીય સોલી ટેઈલરની રિમાર્કથી કિંગ પણ હસી પડ્યા હતા.
કિંગ ચાર્લ્સ 1978થી લંડન પ્રેસ ક્લબના માનદ આજીવન સભ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મારા માનવા મુજબ તમામ પ્રકારના રીજિયોનલ મીડિયાએ સમાજમાં, ખાસ કરીને આ અચોક્કસ સમયગાળામાં અનોખી અને મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.’ તેમણે બ્રિટનના પ્રથમ ડેઈલી નેશનલ ન્યૂઝપેપરની 300મી વર્ષગાંઠ નિમિત્તે 2002માં આપેલા સંબોધનને પણ યાદ કર્યું હતું. તેમણે રિપોર્ટર્સની ભૂમિકા સંબંધ જણાવ્યું હતું કે તેઓ અન્યાય અને ખોટાં કાર્યોનો પર્દાફાશ કરે છે તેમજ આપણી કોમ્યુનિટીઓને મજબૂત કરવામાં મદદ કરે છે. ફ્રી મીડિયા ભૂલો કરે છે પરંતુ, તેમના શ્રેષ્ઠ સમયમાં તે આપણી લોકશાહીના કોર્નરસ્ટોન્સ બની રહે છે.