લંડનઃ બ્રિટનના રાજવી પરિવારમાં વ્યાપેલી કડવાશ દૂર થઇ રહી હોવાના સંકેતો પ્રાપ્ત થઇ રહ્યાં છે. રાજવી પરિવારના બે મહત્વના સભ્યો કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનની બીમારી રાજવી પરિવાર અને પ્રિન્સ હેરી તથા મેઘન મર્કેલ વચ્ચેના સંબંધોમાં સુધારો કરી રહી છે. કિંગ ચાર્લ્સને કેન્સર હોવાનું નિદાન થયાના બીજા જ દિવસે પ્રિન્સ હેરી લંડન પહોંચ્યા હતા અને પિતા સાથે મુલાકાત કરી હતી.
બીજીતરફ એવા પણ અહેવાલો પ્રાપ્ત થયાં છે કે મેઘન મર્કેલે કિંગ ચાર્લ્સ અને કેટ મિડલટનનો સંપર્ક કર્યો હતો અને તેમની તબિયત અંગે પૂછપરછ કરી હતી. તાજેતરમાં જ કેટ મિડલટન પર પણ સર્જરી કરવામાં આવી હતી. મેઘન મર્કેલે બંનેને ઝડપી સાજાપણાની શુભેચ્છા પાઠવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલ માને છે કે તેઓ આ પરિસ્થિતિનો ઉપયોગ સંબંધોમાં સુધારાના પ્રારંભ તરીકે કરી શકે છે. જિંદગી ઘણી ટૂંકી છે અને તેમને આશા છે કે સંબંધોમાં વ્યાપેલી કડવાશ દૂર કરી શકાશે.
પિતાની મુલાકાત લઇ અમેરિકા પહોંચેલા પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સની કેન્સરની બીમારી રાજવી પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવવામાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, હું મારા પરિવારને પ્રેમ કરું છું. હું મારા પિતાની સાથે મુલાકાત કરી શક્યો તે માટે હું આભારી છું. મને લાગી રહ્યું છે કે અમારો પરિવાર એકબીજાની નજીક આવી રહ્યો છે. મને લાગે છે કે કોઇપણ બીમારી પરિવારને એકજૂથ કરી શકે છે.
હું અમેરિકાનો નાગરિક બનવા વિચારી રહ્યો છુઃ પ્રિન્સ હેરી
ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીએ એક ટેલિવિઝન મુલાકાતમાં જણાવ્યું છે કે તેઓ અમેરિકાના નાગરિક બનવાની વિચારણા કરી રહ્યા છે. જો પ્રિન્સ હેરી અમેરિકન નાગરિકત્વ સ્વીકારશે તો તેમણે તેમના તમામ રાજવી દરજ્જાનો ત્યાગ કરવો પડશે. ડ્યૂકે ગૂડ મોર્નિંગ અમેરિકાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું નથી જાણતો કે મને અમેરિકાનો નાગરિક બનતા શું અટકાવી રહ્યું છે. શું તમે અમેરિકાના નાગરિક બનવાનું વિચારો છો તેવા સવાલના જવાબમાં પ્રિન્સે જણાવ્યું હતું કે હા મેં તે અંગે વિચારણા કરી છે. જો કે તે મારી પ્રાથમિકતા નથી.


