લંડનઃ બ્રેક્ઝિટ બાદ બ્રિટન વૈશ્વિક સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે તેના ભાગરૂપે કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાના ભારત પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કિંગ ચાર્લ્સના આ પ્રવાસને બ્રિટનના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનાવવાના વ્યૂહાત્મક પગલા તરીકે જોવાઇ રહ્યો છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજવી દંપતીને ભારતની મુલાકાતનું આમંત્રણ આપી ચૂક્યા છે. બ્રિટિશ અખબાર ધ મિરરના અહેવાલ અનુસાર કિંગ ચાર્લ્સ ભારતીય ઉપખંડની મુલાકાતની તેમની યોજનાને ટૂંકસમયમાં આકાર આપશે. 2022માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનને કારણે તેમનો આ પ્રવાસ મોકૂફ રખાયો હતો.
સૂત્રે જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત પ્રવાસ અત્યંત રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. તેના દ્વારા વૈશ્વિક મંચ પર બ્રિટનની હાજરી મજબૂત બનશે. આ મહત્વના સમયમાં બ્રિટનનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજવી દંપતી આદર્શ બની શકે છે.
કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મુલાકાતની યોજના પર હાલ કામ ચાલી રહ્યું છે અને વિદેશ વિભાગ સંબંધિત દેશો સાથે આ અંગે ચર્ચા કરી રહ્યો છે.
કિંગ ચાર્લ્સ ભારતની મુલાકાતનો લાંબો ઇતિહાસ ધરાવે છે. પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે પ્રિન્સ ચાર્લ્સે ભારતની 10 વાર સત્તાવાર મુલાકાત લીધી હતી. છેલ્લે તેઓ વર્ષ 2019માં ભારતની સત્તાવાર મુલાકાતે ગયા હતા. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાથી બ્રિટન પરત ફરતા રાજવી દંપતીએ ભારતના બેંગલુરુ ખાતે ચાર દિવસનું ગુપ્ત રોકાણ કર્યું હતું.


