કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ભારતની ગુપ્ત મુલાકાત લીધી

રાજવી દંપતી બેંગાલુરૂના શૌક્ય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 4 દિવસ રોકાણ કર્યું

Thursday 07th November 2024 00:34 EST
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ઓસ્ટ્રેલિયા અને સમોઆના પ્રવાસેથી યુકેની પરત મુસાફરી દરમિયાન ભારતના બેંગાલુરૂ ખાતે ગુપ્ત રીતે 4 દિવસનું રોકાણ કર્યું હતું. કિંગ અને ક્વીનની આ ભારત મુલાકાત અત્યંત ગુપ્ત રખાઇ હતી અને મીડિયાને પણ તેમનાથી દૂર રખાયું હતું.

કર્ણાટકના સ્ટેટ પ્રોટોકોલ અને પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમોઆથી યુકેની પરત મુસાફરીમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ બેંગાલુરૂના વ્હાઇટ ફિલ્ડ ખાતે આવેલા શૌક્ય હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે કાયાકલ્પ વિરામ લેવાનો નિર્ણય લીધો હતો. 26 ઓક્ટોબરની રાત્રે કિંગ અને ક્વીનના પ્રાઇવેટ જેટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. ત્યાંથી તેઓસીધા વેલનેસ સેન્ટર પર પહોંચ્યા હતા.

રાજવી દંપતી વેલનેસ સેન્ટરના સંચાલક ડો. ઇસ્સાક મથાઇ નૂરાનલની અલગ પ્રકારની જ સારવાર પદ્ધતિથી ઘણા પ્રભાવિત છે. ડો. ઇસ્સાક મથાઇ મેડિસિનની અલગ અલગ સિસ્ટમ દ્વારા ઉપચાર કરે છે. તેઓ બ્રિટિશ રાજવી પરિવારના આરોગ્ય સલાહકાર પણ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજવી દંપતીની આ અંગત મુલાકાત હોવાના કારણે કર્ણાટક સરકાર દ્વારા વિધિવત સ્વાગત કરાયું નહોતું. તેઓ બુધવારે વહેલી સવારે બેંગાલુરૂથી યુકે જવા રવાના થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter