કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશી અસામાન્ય રાષ્ટ્રીય ગૌરવની ક્ષણઃ સુનાક

પહેલીવાર તાજપોશીમાં તમામ ધર્મના પ્રતિનિધિ મહત્વની ભુમિકામાઃ રિશી સુનાક

Tuesday 09th May 2023 13:03 EDT
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે કિંગ ચાર્લ્સ તૃતિયની તાજપોશીની ઉજવણી પ્રસંગે વિશેષ સંદેશમાં 1000 વર્ષ કરતાં જૂની ધાર્મિક વિધિમાં તમામ ધર્મની કેન્દ્રિય ભુમિકાને બિરદાવી હતી. તાજપોશી પહેલાં સુનાકે જણાવ્યું હતું કે, છેલ્લા હજાર વર્ષથી વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજાઓની તાજપોશી થતી આવી છે ત્યારે પહેલીવાર તમામ ધર્મના પ્રતિનિધિ મહત્વની ભુમિકામાં રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની તાજપોશી અસામાન્ય રાષ્ટ્રીય ગૌરવની ક્ષણ છે. કોમનવેલ્થ અને અન્ય મિત્રોની સાથે આપણે સાથે મળીને આપણી મહાન રાજાશાહીની ઉજવણી કરી રહ્યાં છીએ. બ્રિટની રાજાશાહી સાતત્ય, ફરજ પ્રત્યે પ્રતિબદ્ધતા અને અન્ય પ્રત્યેની સેવામાં માને છે. અન્ય કોઇ દેશમાં આ પ્રકારે સરઘસ, સમારોહ અને સ્ટ્રીટ પાર્ટીઓનું આયોજન થતું નથી.

તેમણે જણાવ્યું હતું કે, કિંગની તાજપોશી આપણા દેશનું આધુનિક ચારિત્ર્ય દર્શાવે છે. ભવ્ય પરંપરા દ્વાર નવા યુગનો જન્મ થયો છે. સમગ્ર દેશના લોકો સેવાના હજારો કૃત્ય દ્વારા તેમના સમુદાયોની મદદ કરશે. તેથી આવો આપણે જે છીએ તેના માટે ગૌરવથી આ સપ્તાહાંતની ઉજવણી કરીએ.

ભારતના વડાપ્રધાન મોદીએ કિંગ અને ક્વીનને અભિનંદન પાઠવ્યાં

લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિંગ ચાર્લ્સ તૃતિય અને ક્વીન કેમિલાને તેમની તાજપોશી નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાજપોશીના પ્રસંગે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાને ઉષ્માસભર અભિનંદન. અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં ભારત અને યુકેના સંબંધો વધુ મજબૂત બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter