લંડનઃ બ્રિટિશ રાજવી કિંગ ચાર્લ્સ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ઐતિહાસિક મહત્વ ધરાવતી ભેટો અર્પણ કરી હતી. આ ભેટો બંને દેશોના સદીઓ જૂના રાજદ્વારી અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પ્રતીક બની રહી છે.
ચાર્લ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવતા પ્રખ્યાત 'રેઝોલ્યુટ ડેસ્ક'ના 1879ના મૂળ ડિઝાઇન પ્લાનની ફ્રેમ કરેલી પ્રતિકૃતિ ભેટ આપી હતી. આ ડેસ્ક બ્રિટિશ જહાજ HMS રેઝોલ્યુટના લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું અને 1880માં રાણી વિક્ટોરિયાએ રાષ્ટ્રપતિ રૂધરફોર્ડ બી. હેઝને ભેટ આપ્યું હતું.
પ્રમુખ ટ્રમ્પે કિંગ ચાર્લ્સને 1785માં જોન એડમ્સે જોન જયને લખેલા પત્રની વિશેષ પ્રતિકૃતિ અર્પણ કરી હતી. આ ઐતિહાસિક પત્રમાં કિંગ જ્યોર્જ ત્રીજા સાથેની મુલાકાતનો ઉલ્લેખ છે, જેમાં બંને રાષ્ટ્રો વચ્ચે ફરીથી મિત્રતા સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
ક્વીન કેમિલાએ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને જાણીતા બ્રિટિશ ડિઝાઇનર ફિયોના રે દ્વારા તૈયાર કરવામાં આવેલ એક આકર્ષક બ્રોચ ભેટ કર્યું હતું સામે પક્ષે મેલાનિયાએ ક્વીન કેમિલાને ટિફની કંપનીનાના ઇંગ્લિશ કિંગ સ્ટર્લિંગ સિલ્વર ચાની ચમચીઓ અને વ્હાઇટ હાઉસના ખાસ મધની ભેટ આપી હતી.

