લંડન
ડ્યૂક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી ઇચ્છે કે કે કિંગ ચાર્લ્સ તૃતિય અને પ્રિન્સ ઓફ વેલ્સ પ્રિન્સ વિલિયમ તેમની માફી માગે. તો જ તેઓ કિંગ ચાર્લ્સની તાજપોશીમાં હાજરી આપવા વિચારણા કરશે. પ્રિન્સ હેરી પહેલાં જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ અને મેઘન મર્કેલ રાજવી પરિવારના વર્કિંગ મેમ્બર્સ હતા ત્યારે તેમની સાથે જે રીતે વર્તન કરાયું તેના માટે રાજવી પરિવારે તેમની માફી માગવી જોઇએ. તેમણે રાજવી પરિવારના અન્ય સભ્યો પર તેમની વિરુદ્ધ મીડિયામાં અફવાઓ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો. પોતાના પુસ્તક સ્પેરના પ્રકાશન સમયે પણ પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, હવે નિર્ણય રાજવી પરિવારે લેવાનો છે.
જોકે રાજવી પરિવારને નથી લાગતું કે તેણે પ્રિન્સ હેરીની કોઇપણ બાબત માટે માફી માગવી જોઇએ. રાજવી પરિવારના એક નિકટના સૂત્રે જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે રાજવી પરિવારે કોઇ પ્રકારની માફી માગવી જોઇએ. પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલને તાજપોશીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવવામાં આવશે પરંતુ તેમાં માફીનો કોઇ ઉલ્લેખ નહીં હોય. રાજવી પરિવાર માત્ર એટલું કહેશે કે અમે આમંત્રણ પાઠવ્યું છે, જો તમે આવવાના હો તો અમને જાણ કરશો.
એક સૂત્રે જણાવ્યું હતું કે, પ્રિન્સ હેરી તાજપોશીમાં હાજર રહેતાં પહેલાં કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમ માફી માગે તેવો આગ્રહ રાખી રહ્યા છે.


